અમદાવાદ3 મિનિટ પેહલાલેખક: આનંદ મોદી
- કૉપી લિંક
નર્સિંગ અને ફિઝિયોથેરાપીની જ ઉત્તરવહી નહીં, પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા તમામ કોર્ષમાં આ પ્રકારનું કૌભાંડ ચાલતુ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. કેમ કે, gnews24x7 પાસે આવેલી સ્ફોટક ચેટથી એક નવા જ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી…હા નવું કૌભાંડ.
આ કૌભાંડમાં નવું પાત્ર સામે આવ્યું છે અને સમય જતા અન્ય કલાકારો પણ સામે આવી શકે છે. અત્યાર સુધીની તપાસમાં ઉત્તરવહી કૌભાંડમાં સની ઉર્ફે સંજય ચૌધરીનું નામ સામે આવ્યું છે. તો હવે વિક્રમ ચૌધરી નામનો અન્ય શખસ એવો દાવો કરી રહ્યો છે કે, ‘તમારે ગુજરાત યુનિવર્સિટીમાં કોઇ પણ વિષયમાં પાસ થવુ છે તો અમારો સંપર્ક કરો, અમે તમને પૈસા લઇને પાસ કરાવી દઇશું’. તમને થતુ હશે કે આવું કેવી રીતે શક્ય બને! તો જૂઓ આ વિક્રમ ચૌધરીએ વિદ્યાર્થી સાથે કરેલી ઇન્સ્ટાગ્રામ ચેટ.
વિક્રમ અને વિદ્યાર્થીની ઈન્સ્ટા ચેટ
વિક્રમ: હાય, જાન્યુઆરીમાં BPT ત્રીજા વર્ષની પરીક્ષા છે?
વિદ્યાર્થી: હા.
વિક્રમ: પાસ થઈ જઈશ?
વિદ્યાર્થી: તમારી ઓળખાણ છે?
વિક્રમ: હા બ્રધર.
વિદ્યાર્થી: કેટલા પૈસા થાય?
વિક્રમ: પર્સનલી મળવું પડશે.
વિદ્યાર્થી: લોકેશન અને દિવસ.
વિક્રમ: કલોલ અને સોમવારે.
વિદ્યાર્થી: અમદાવાદમાં નહિ? કારણકે મારું ઘર અમદાવાદમાં છે.
વિક્રમ: થઈ જશે, તારો નંબર આપ, હું આવીશ ત્યારે કોલ કરીશ.
વિક્રમ: અને બીજું તમારા ફ્રેન્ડસમાં હોય એમને પણ કહેજો.
વિક્રમ: ગુજરાત યુનિવર્સિટીના તમામ કોર્ષ અવેલેબલ છે.
વિક્રમ: પરીક્ષા જાન્યુઆરીમાં છે.
વિદ્યાર્થી: તારીખ જાહેર થઈ?
વિક્રમ: ના પણ 2 જાન્યુઆરી છે લગભગ, ટાઇમ ટેબલ હજુ આવ્યું નથી.
આ રીતે કૌભાંડ ચલાવતા હતા…
વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, હું ફિઝિયોથેરાપીના ફાઇનલ વર્ષમાં ભણું છું. હું ત્રીજા વર્ષમાં હતો ત્યારે હું નપાસ થયો હતો, ત્યારે મને રાત્રે ઈન્સ્ટાગ્રામ પર સની ચૌધરી નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. પહેલા મને ખબર નથી કે આ કોણ છે, જેથી મેં અવોઈડ કર્યું. બીજા દિવસે ફરીથી મેસેજ આવ્યો ત્યારે મેં વાત કરી હતી. ત્યાર બાદ તેણે મને પૂછ્યું હતું કે, તમે કેટલા વિષયમાં ફેલ થયા છો. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જ ફોન આવ્યો હતો. જેમાં સનિએ જણાવ્યું હતું કે, હું તમને પાસ કરાવી દઈશ. એક વિષયના 40થી 50 હજાર રૂપિયાની આસપાસ થશે. જેટલું વહેલું કરાવશો, એટલું સસ્તું થશે, જેમ જેમ સમય જશે તેમ મોંઘુ થશે. પરીક્ષાના એક મહિના પહેલા આવીશું અને બધું સેટ કરી આપીશું, પરીક્ષા પૂરી થયા પછી તમારે પૈસા આપવાના રહેશે. મેં મારી કોલેજમાં તપાસ કરી તો જે જે લોકો ફેલ થયા હતા એ તમામ લોકોને સની ચૌધરીએ મેસેજ કર્યો હતો. વિક્રમ ચૌધરી નામના વ્યક્તિએ પણ મેસેજ કર્યો હતો. જેણે મને કલોલ મળવા માટે કીધું હતું. વિક્રમે મને કહ્યું હતું કે બધા કોર્સમાં પાસ થવાનું સેટિંગ છે.
વિદ્યાર્થીઓનો નંબર મેળવી વોટ્સએપ પર સંપર્ક કરતા
યુનિવર્સિટીમાં પેર મેડિકલનું જે દિવસે પરિણામ આવ્યું તે જ દિવસે સની અને વિક્રમ જે વિદ્યાર્થીઓ નાપાસ હોય તેનું લીસ્ટ મેળવી લેતા હતા. ત્યાર બાદ આ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને રાત્રે તેમને સોશિયલ મીડિયા પર મેસેજ કરતા હતા. મેસેજમાં વાતચીત વધે ત્યાર બાદ વિદ્યાર્થીઓનો નંબર મેળવીને તેને વોટ્સએપ પર સંપર્ક કરી મેસેજ તથા કોલ કરતા હતા. આ રીતે કૌભાંડ ચલાવતા હતા.
કૌભાંડીએ વિદ્યાર્થી સાથે કરેલી ઇન્સ્ટાગ્રામ ચેટ.
કેટલાક વિદ્યાર્થીઓને સની અને વિક્રમના મેસેજ આવ્યા’તા
સની ચૌધરીની જેમ વિક્રમ ચૌધરીએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં મેડિકલ, આરએસએસ અને ABVP લખ્યું હતું. સની ચૌધરીની જેમ જ વિક્રમ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને પાસ કરાવવાના કૌભાંડમાં સંડોવાયેલો છે. જે વિદ્યાર્થીને મેસેજ કર્યા હતા તે વિદ્યાર્થીએ પણ જણાવ્યું હતું કે તેની સાથે ભણતા કેટલાક વિદ્યાર્થીઓને પણ સની અને વિક્રમ બંનેના મેસેજ આવ્યા હતા, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પૈસા આપીને પાસ પણ થયા છે.
નિશાની કરેલા પેપર સંજય ડામોરે એજન્ટ સનીને આપ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થતા વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને એજન્ટ દ્વારા સંપર્ક કરીને પેપર કોરું છોડવા જણાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નિશાની કરીને પેપર કોરું છોડ્યું હતું. ત્યાર બાદ પેપર યુનિવર્સિટીના બોટની વિભાગમાં જમા થયા હતા, જ્યાંથી યુનિવર્સિટીના કર્મચારી સંજય ડામોરની મદદથી પેપર બહાર લાવવામાં આવ્યા હતા. નિશાની કરેલા પેપર સંજય ડામોરે એજન્ટ સની ચૌધરીને આપ્યા હતા.
કૌભાંડીએ વિદ્યાર્થી સાથે કરેલી ઇન્સ્ટાગ્રામ ચેટ.
વિદ્યાર્થીઓની આંખે પટ્ટી બાંધી અજાણી જગ્યાએ પેપર લખાવ્યા
સની ચૌધરીએ RTO સર્કલ પાસે જે વિદ્યાર્થીઓને પાસ કરાવવાના હતા તેમને બોલાવીને આંખે પટ્ટી બાંધી ગાડીમાં બેસાડ્યા હતા. ત્યાર બાદ અજાણી જગ્યાએ લઈ જઈને વિદ્યાર્થીઓને પેપર લખાવવામાં આવ્યું હતું, પરંતુ પેપર લખીને યુનિવર્સિટીમાં પરત જમા થાય તે પહેલાં જ NSUI દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને સંજય ડામોરની ધરપકડ કરી છે જ્યારે બાકીના 2 આરોપી ફરાર છે.
મુખ્ય આરોપી સનીના ભાજપના નેતાઓ સાથેના ફોટો
આ ગુનામાં સની ચૌધરી મુખ્ય આરોપી છે. સની ચૌધરી અગાઉ કોંગ્રેસ અને NSUI સાથે જોડાયેલો હતો, ત્યાર બાદ તે ABVPમાં જોડાયો હતો. સની ચૌધરી ભાજપના પણ કેટલાક નેતાઓ સાથે સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો અને તેમની સાથેના સની ચૌધરીના ફોટા પણ સામે આવ્યા હતા.
સની નર્સિંગની સાથે ફિઝિયોથેરાપીના કૌભાંડમાં પણ સંડોવાયેલો
સની ચૌધરી માત્ર નર્સિંગના કૌભાંડમાં સંડોવાયેલો નથી તે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડમાં પણ સંડોવાયેલા છે. સની ચૌધરી ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને પરિણામ અથવા પરીક્ષા અગાઉ મેસેજ કરતો હતો. ત્યાર બાદ પોતાનો મોબાઈલ નંબર આપીને પાસ થવું હોય તો વાત કરવા જણાવતો હતો. સનીએ વિદ્યાર્થીઓને પોતાના અલગ અલગ 2 મોબાઈલ નંબર આપ્યા હતા જેના પર વોટ્સએપ મેસેજ કરવાનું જણાવતો હતો.
.