ગાંધીનગર6 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત સરકાર દ્વારા આઈટી એક્ટ-2000ની કલમ 79A હેઠળ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ને ઇલેટ્રોનિક એવિડન્સ એક્ઝામિનર તરીકે સત્તાધિકૃત કરવામાં આવી છે. જે અંતર્ગત તે કોઈપણ કોર્ટ અથવા સત્તામંડળ સમક્ષ ઇલેક્ટ્રોનિક સ્વરૂપના પુરુવાઓ બાબતે નિષ્ણાત અભિપ્રાય આપવા અંગે સત્તાધિકૃત રહેશે. સમગ્ર ભારતમાં આવી માત્ર 12 સરકારી પ્રયોગશાળાઓ છે. જેને આવો દરજ્જો અપાયો છે. NFSU આવી 13મી લેબ બની છે.
આ પ્રસંગે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે – IT એક્ટ 2000ની કલમ 79-A હેઠળ આવો દરજ્જો પ્રાપ્ત કરનારી ભારતની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે. ઉપરાંત, NFSUને ડિજિટલ ફોરેન્સિક તપાસના વિશિષ્ટ ક્ષેત્રમાં તેની તકનીકી નિપુણતા, વિશ્વસનીયતા અને ડોમેન કુશળતાના આધારે આવી માન્યતા આપવામાં આવી છે. NFSU અનેક પ્રતિષ્ઠિત કેન્દ્રીય તપાસ એજન્સીઓ માટે નોલેજ પાર્ટનર છે. NFSU આવી એજન્સીઓને સાયબર-ગુનાની તપાસ માટે ક્ષમતા નિર્માણ સહિત અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક લેબની સ્થાપનાના સંદર્ભમાં જરૂરી સહાય પૂરી પાડે છે.
જાહેર તેમજ ખાનગી સંસ્થાઓ વર્તમાન ઈન્ટરનેટના યુગમાં પોતાની સંસ્થાઓને સાયબર હુમલાઓથી સુરક્ષિત રાખવા માટે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખૂબ આધાર રાખે છે. સાયબર ક્રાઈમના વધતા જતાં જોખમ સામે NFSUએ વિશ્વ સ્તરીય સાયબર-ફોરેન્સિક તપાસ સુવિધાઓનું નિર્માણ કર્યું છે અને વૈશ્વિક ધોરણો સાથે સમક્ષ સાયબર-ફોરેન્સિક તપાસ માટે સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફોરેન્સિક્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે. NFSUના વિવિધ કેમ્પસમાં 700થી વધુ વિદ્યાર્થીઓ સાયબર-ફોરેન્સિક સંબંધિત અભ્યાસક્રમમાં જોડાયા છે. આ રીતે યુનિવર્સિટીમાંથી દર વર્ષે ઇન્ડસ્ટ્રી રેડી સાયબર-ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ, પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસના દૂરંદેશી નેતૃત્વમાં NFSUએ વિશ્વમાં અનેક ગૌરવપૂર્ણ લક્ષ્યો હાંસલ કર્યા છે. જે અંતર્ગત આ નોટિફિકેશન સાથે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી “ઇલેક્ટ્રોનિક પુરાવાના પરીક્ષક” તરીકે કાર્ય કરશે. સાથોસાથ NFSU ડિજિટલ ફોરેન્સિક્સ લેબ એ ISO/IEC 17025 અને ISO/IEC 27037 જેવા આંતરરાષ્ટ્રીય ધોરણો હેઠળ માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ શૈક્ષણિક અને સંશોધન કરનારી લેબોરેટરી બની છે.ગત વર્ષે NFSUને CrPCની કલમ 293 હેઠળ સત્તાધિકૃત કરવામાં આવી છે.
જે અંતર્ગત CrPC-293ની વિશેષ જોગવાઈઓ હેઠળ કોર્ટમાં કેસોની તપાસ, વિશ્લેષણ અને રિપોર્ટ કરવાની સત્તા આપવામાં આવી છે.વિશ્વમાં ફોરેન્સિક સાયન્સમાં અગ્રણી સંસ્થા અને અગ્રણી તરીકે NFSUએ ઘણા જટિલ કેસોની તપાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને પુરાવાઓની સમયસર તપાસ,કેસોના ભારણમાં ઘટાડો અને કેસોનો ઝડપી નિકાલમાં મદદરૂપ બની છે.