જામનગર36 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગરમાં વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે તજજ્ઞઓ માટે સંસ્થાના ડીનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસરના સહયોગથી વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંસ્થાના તમામ વિભાગોમાંથી ફેકલ્ટીઓ, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરઓ, રેસીડેન્ટ ડોક્ટરઓ, સીએમઓઓ તથા જિલ્લા પંચાયતના તમામ THOઓ એમ 225 તજજ્ઞો હાજર રહ્યા હતા. જેઓને આ તાલીમમાં ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા વિશે વિગતવાર ક્લિનિકલ મેનેજમેન્ટ અંગે સમજણ આપવામાં આવી હતી.

આ તાલીમ સંસ્થાના એડિશનલ ડીન, પ્રોફેસર મેડિસિન વિભાગ અને નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી તથા એસોસિયેટ પ્રોફેસર મેડિસિન વિભાગ અને આસિસ્ટન્ટ નોડલ ઓફિસર ડો.બી.આઇ. ગોસ્વામી દ્વારા આપવામાં આવેલ. જેમાં તેઓ દ્વારા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝીણવટભરી ક્લિનિકલ મેનેજમેન્ટની બાબતો સમજાવવામાં આવી હતી.

ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોનો વધતો જતો ફેલાવો અટકાવવા શું શું તકેદારી રાખવી તેની સમજણ ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. સંસ્થા ખાતે જો આવા દર્દીઓ વધુ પ્રમાણમાં આવે તો શું વ્યવસ્થા કરવી તે બાબતે મેડિસિન વિભાગના વડા દ્વારા જણાવવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની તાલીમથી જામનગર ખાતે મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની વધુ અસરકારક સારવાર કેવી રીતે કરવી તે અંગે ઉપયોગી નીવડશે તથા વધુ સારી રીતે આવા દર્દીઓને હોસ્પિટલ ખાતે સારવાર આપી શકાશે.
