પોરબંદર36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોરબંદર જિલ્લામાં સારી એવી મેઘમહેર થતા પોરબંદર સહિત રાણાવાવ અને છાંયાને પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ છલોછલ છે અને આમ છતાં નગરપાલિકાનું તંત્ર સાવ છેલ્લી પાયરીએ પહોંચીને પાણી વિતરણ વ્યવસ્થામાં ભેદભાવ રાખે છે અથવા તો બેદરકાર રહ્યું છે. તેમ જણાવીને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવ મોઢવાડિયાએ પાણી પુરવઠા મંત્રીને આ અંગે ગંભીર ફરિયાદ કરી હતી.
રામદેવ મોઢવાડિયાએ પાણી પુરવઠા મંત્રીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, પોરબંદરના અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જુબેલી બોખીરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી મોટાભાગના લોકોને પાણી પુરવઠો નગરપાલિકાના તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવ્યો નથી. બોખીરાના નારાયણ નગર, શ્રીજી બેટરીવાળી ગલી અને રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળની સોસાયટીઓ જનકપુરી વિસ્તારની સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીઓમાં અને આંતરિક નવી બનેલી સોસાયટીઓમાં અઠવાડિયાથી લોકો પીવાના પાણીની રાહ જોઈ રહ્યા છે અને આમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ગંભીરતા નગરપાલિકાના તંત્રએ દાખવી નથી.
એટલું જ નહીં શહેરના ખાકચોકની જુદી જુદી શેરીઓમાં પણ અઠવાડિયાથી પાણી વિતરણ થયું નથી. આ વિસ્તારના કોંગ્રેસના મહિલા આગેવાન મણીબેન દાનુ ઓડેદરાએ પણ આ અંગે તાજેતરમાં જ ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગે તપાસ કરતા અને સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા એવું જણાવી દેવાયું છે કે ઉપરથી પાણી વિતરણ થયું નથી. ઉપરથી નર્મદાનો ફોર્સ ઓછો આપવામાં આવે છે. આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી રામદેવ મોઢવાડિયાએ આપી છે.
પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરીને કેટલા એમએલડી પાણી આપવામાં આવે છે? તેની સાચી વિગતો જાહેર કરી છે. જેમાં નગરપાલિકાના તંત્રની જ રેઢીયાળ નીતિ બહાર આવી છે. પાણી પુરવઠા બોર્ડે રામદેવ મોઢવાડીયાને આપેલી માહિતી પ્રમાણે પોરબંદરને 33 એમએલડી પાણીની જરૂરિયાત છે. જેની સામે 36 એમએલડી પાણી આપવામાં આવે છે એટલે જરૂરિયાત કરતા પણ વધુ પાણી આપવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની બાબતએ જાહેર કરવામાં આવી છે કે, નર્મદાનું પાણી માત્ર એક દિવસ પૂરતું અને એ પણ 10 એમએલડી ઓછું આપવામાં આવ્યું હતું, પરંતુ એ છ દિવસ પહેલા ઓછું અપાયું હતું તેના કારણે છેલ્લા અઠવાડિયાથી પોરબંદરવાસીઓને પાણી પૂરું નહીં પાડીને ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધિશો શું સાબિત કરવા માગે છે? શું કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેનો ભોગ તમારે પ્રજાજનોને બનાવવાના છે? તેવો સવાલ રામદેવ મોઢવાડિયાએ ભારે આક્રોસ સાથે જણાવ્યું છે કે તમારી ભેદભાવ ભરી નીતિ હવે બંધ કરો.
પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં અપૂરતું અને અનિયમિત પાણી આવે છે. આ પ્રશ્ન જિલ્લા કલેક્ટરની ફરિયાદ સંકલન સમિતિમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ઉઠાવ્યો હતો અને જિલ્લા કલેક્ટર સમક્ષ તે અંગેની ફરિયાદ કરી હતી, પરંતુ જવાબદારી સ્વીકારવાને બદલે પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓએ લેખિતમાં એવું જણાવ્યું હતું કે, પોરબંદરના જુદા જુદા વિસ્તારોમાં જ્યારે પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે તે અગાઉ બૂમો પાડીને જુદા જુદા વિસ્તારમાં લોકોને પીવાના પાણીના વિતરણ અંગે જાણ કરે છે. જ્યારે હકીકત એ છે કે બોખીરા અને જયુબેલીના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ ક્યારે થાય છે? એ પણ લોકોને ખબર પડતી નથી ચોક્કસ ટાઈમ ટેબલ હોવું જોઈએ એ ટાઈમ ટેબલનો અભાવ છે અને તેના કારણે ઘણી વખત એવું પણ બને છે કે પીવાના પાણીથી લોકો વંચિત રહી જાય છે અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે ઊંધા ચશ્મા પહેરાવનારા નગરપાલિકાના અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવા પાણી પુરવઠા મંત્રીને રામદેવ મોઢવાડિયાએ પત્રના અંતે માગ કરી છે.