રાજકોટ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરની મધ્યમાં આવેલો રેસકોર્સ રિંગ રોડ શહેરની શાન સમાન છે અને આ રેસકોર્સની શાન વધારવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે અલગ અલગ ડિઝાઈનર સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા હતા. જો કે, આજે આ સ્કલ્પચરોની હાલત દયનિય બની ગઈ છે અને સ્કલ્પચરના આકાર બે”કાર” થઇ ગયા છે.
ડિઝાઈનર સ્કલ્પ્ચરની દયનિય હાલત
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટ શહેરની શાન સમાન રેસકોર્સ રિંગરોડની શોભા વધારવા માટે લગભગ 4 વર્ષ પહેલા રસ્તા પર નવા ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા અને તેમાં થોડા થોડા અંતરે ડિઝાઈનર સ્કલ્પ્ચર મુકવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ રેસકોર્સ રિંગરોડ ફરતે 2.75 કિલોમીટર વિસ્તારમાં અલગ અલગ 30 જેટલા ડિઝાઈનર સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા હતા. આજે આ સ્કલ્પ્ચરની હાલત દયનિય જોવા મળી રહી છે.

કેટલાક સ્કલ્પચરો ગાયબ થઇ ગયા
રાજકોટ શહેરના રેસકોર્સ રિંગરોડ ફરતે મુકવામાં આવેલા 30 સ્કલ્પચરો પૈકી કેટલાક સ્કલ્પચરો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો કેટલાક સ્કલ્પચરો ગાયબ થઇ ચુક્યા છે. જ્યારે હજુ પણ બાકી રહેલા સ્કલ્પચરો પૈકી 4થી 5 સ્કલ્પચરોની હાલત એવી છે કે જેમનું યોગ્ય સમારકામ કરવામાં ન આવે તો તૂટી શકે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

સ્કલ્પ્ચર પર મૂકવામાં લાઇટ બંધ હાલતમાં
ઉલ્લેખનીય છે કે, રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે શાશ્વત અવાજના પ્રતીક સમાન સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે જેમાં ઉપર લાઇટિંગ મુકવામાં આવી છે. વર્ષોથી આ લાઇટ બંધ હાલતમાં જ જોવા મળી રહી છે. ત્યારે આ ઉપરાંત લાખોના ખર્ચે તૈયાર કરાયેલા આ ડિઝાઈનર સ્કલ્પ્ચરનું સમારકામ કરી ફરી મહાનગર પાલિકા દ્વારા રાજકોટ રેસકોર્સ રિંગરોડની શોભા ક્યારે વધારવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે.

.