કચ્છ (ભુજ )16 મિનિટ પેહલા
- કૉપી લિંક
કચ્છ પશ્ચિમના આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજય બાપટે રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને પત્ર લખીને રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગણીને ધ્યાને લઈ કરાર આધારિત ભરતીમાં ફેરફારો કરી જ્ઞાન સહાયકોને ચોક્કસ સમય અવધિ બાદ વિદ્યા સહાયક યોજનાની જેમ કાયમી ભરતી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
પત્રમાં જણાવ્યા અનુસાર વિકાસશીલ રાજ્ય તરીકેની ઓળખ મેળવી ચૂકેલા ,ગુજરાતમાં હંગામી અને કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનામાં જરૂરી સુધારા વધારા કરીને ફરજ બજાવ્યાના ચોક્કસ સમયગાળા બાદ તેઓને કાયમી મહેકમમાં ગણવામાં આવે તે રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
ગુજરાત રાજ્યમાં વર્ષ 1997- 98 થી અમલમાં આવેલ બાલગુરુ અને ત્યારબાદ વિદ્યા સહાયક યોજના હેઠળ રાજ્યમાં હજારો શિક્ષકોની ભરતી કરીને તેમને બે અને પાંચ વર્ષની ફરજ બજાવ્યા બાદ તેમના સમયગાળાને ધ્યાનમાં લઈને શિક્ષક તરીકેના નિયમિત મહેકમમાં સમાવેશ કરવામાં આવતા હતા. પરંતુ 2023 થી વિદ્યા સહાયક યોજનાના બદલે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં માત્ર 11 માસના કરાર આધારિત હંગામી ભરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
11 માસનો કરાર પૂર્ણ થતાં, કર્મી આપો આપ ફરજ પરથી રદ ગણાશે.તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ પ્રકારના નીતિ નિયમના કારણે જ્ઞાન સહાયકોની ભાવિ સલામતીનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. જો જ્ઞાન સહાયકના પોતાના ભાવિનો ભરોસો સલામત નહિ હોય તો ભવિષ્યમાં ઘણી બધી વિસંગતતાઓ ઊભી થાય તેમ છે.
એક તરફ ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું હોય તેવું કહેવામાં આવતું હોય અને ભારતના ભાવિને ઘડનાર ખુદ શિક્ષકોનું ભાવિ જ અંધકારમય અને અસલામત હોય તો, દેખીતી રીતે જ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા, રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને હજારો જ્ઞાન સહાયકોને અસર પહોચાડે તેમ છે. જેથી કરીને જ્ઞાન સહાયક યોજનામાં કરાર આધારિત ફરજ બજાવ્યા બાદ, અગાઉની જેમ જે રીતે 1997 થી 2023 દરમ્યાન નિમણૂક મેળવેલ વિદ્યાસહાયકોને અનુક્રમે બે અને પાંચ વર્ષની ફરજ બજાવ્યા બાદ, જે રીતે કાયમી શિક્ષકના મહેકમમાં સમાવવામાં આવ્યા છે. તે મુજબ જ્ઞાન સહાયકોને પણ પાંચ વર્ષની ફરજ બજાવ્યા બાદ કાયમી શિક્ષક તરીકે ગણવામાં આવે તે મુજબના નીતિ નિયમ ઘડીને ઠરાવ, જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવી હતી.