ગાંધીનગર44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટ પર હિંમતનગર તરફ આવતાં વાહનોનાં ચેકીંગ દરમ્યાન ખાનગી લકઝરી બસમાંથી પિસ્ટલ – 11 જીવતાં કારતૂસ સાથે દિલ્હીના નિઝામપુરનાં શખ્સને ચીલોડા પોલીસે આબાદ રીતે ઝડપી લીધો હતો. પોલીસે કુલ રૂ. 28 હજાર 200 નો મુદ્દામાલ જપ્ત કરી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો છે.
ચીલોડા-હિંમતનગર હાઇવે ઉપર સઘન ચેકીંગ કરવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલ સુચનાનાં પગલે પીઆઈ એન્ડરસન અસારીની ટીમ ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલ સામેના હાઈવે પરના નાકા પોઈન્ટ ઉપર એક પછી એક વાહનોનું ચેકિંગ કરી રહી હતી.
એ દરમ્યાન હિંમતનગર તરફથી આવતી જયપુર રાજસ્થાનથી પુના મહારાષ્ટ્ર સુધીના રૂટની ખાનગી બસને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. બાદમાં ડ્રાઇવર – કંડકટરને સાથે રાખી બસમાં બેઠેલા મુસાફરોનાં સામાનની તલાશી શરૂ કરાઈ હતી. ત્યારે બસની સ્લીપર સીટમાં બેઠેલા એક મુસાફર પાસે પોલીસ પહોંચી હતી. જેથી મુસાફરે પોતાની ટ્રાવેલ બેગ ચેક કરવાની ઘસીને ના પાડી દીધી હતી.
આથી બેગમાં શંકાસ્પદ વસ્તુ હોવાનો પોલીસને અંદાજો આવી ગયો હતો. જેનાં પગલે પોલીસે કડકાઈથી સામાનની તલાશી લેતાં જ અંદરથી મેડ ઇન ઈટાલીની મેગઝીન વાળી પિસ્ટલ (માઉઝર) તેમજ 11 કારતૂસ મળી આવ્યા હતા. આ અંગે પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ પ્રદિપકુમાર નાદરસિંગ રામેરસિંગ જાતે જાટ (ચૌધરી) (ઉ.વ.38 રહે.43, ગદામોહલ્લા અંધાપાના, ગામ-નિઝામપુર પોસ્ટ- નિઝામપુર થાના-કુંવેલા, ઉત્તર પશ્ચિમ દિલ્લી) હોવાનું જણાવ્યું હતું. જો કે હથિયાર મામલે તેણે ચુપકીદી સાધી લેતાં પોલીસે તેની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે.