ભાવનગર10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં સારા વરસાદ બાદ ડેમ, તળાવ છલોછલ થયા બાદ ન્હાવાની મજા લેવામાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમ છતા રીલ બનાવવાની ઘેલછામાં હજી પણ લોકો જાણે મોતને આમંત્રણ આપી રહ્યા હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ભાવનગરના બોરતળાવ પર રીલ બનાવવા માટે 50 ફૂટની ઊંચાઈ પરથી પાણીમાં છલાંગ લગાવતા બે યુવકોના વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયો બાદ તળાવ પરની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.
રીલ બનાવવા 50 ફૂટની ઊંચાઈએ થી છલાંગ લગાવી
ભાવનગરનું બોરતળાવ હાલ ઓવરફ્લો થઈ રહ્યું છે. ત્યારે અહીંનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં બે યુવકો વહેતા પાણીમાં 50 ફૂટ ઊંચેથી છલાંગ લગાવી રહ્યા છે. યુવકો જ્યારે આ રીલ બનાવી રહ્યા છે ત્યારે અહીં કેટલાક લોકો પણ તમાશો જોતા જોવા મળી રહ્યા છે.
બોરતળાવ પરની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મોંઘેરા નઝરાણા સમાન ગૌરીશંકર સરોવર-બોરતળાવના નવીનીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં મનપાની કડક સિક્યુરિટી હોવા છતાં યુવકોએ બિન્દાસ્ત રીલ બનાવતા સવાલો ઉઠ્યા છે.
10 દિવસ પહેલા જામનગરમાં પાંચ લોકોના મોત થયા હતા
જામનગર શહેર નજીક આવેલા સપડા ડેમ પર ફરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકો સહિત પાંચ લોકોના ડેમમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા બે પરિવારના પાંચ લોકો સપડા ડેમ પર ફરવા ગયા બાદ અહીં ન્હાવા પડતા પાંચેય લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.
રીલ બનાવવા જીવ જોખમમાં મૂકતા યુવકો
ગુજરાતમાં તાજેતરમાં ડેમ અને તળાવ હોય કે ચાલુ વાહન હોય યુવકો જોખમી રીતે સ્ટંટ કરતા હોવાના વીડિયો રોજબરોજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ જીવલેણ બનતા હોય અને પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોવા છતાં લોકો અટકવાનું નામ નથી લઈ રહ્યા.