રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં બેફામ સ્પીડથી દોડતી કારચાલકો દ્વારા અકસ્માતો સર્જવામાં આવી રહ્યા છે. સોમવારે થયેલાં બે અકસ્માત બાદ આજે વહેલી સવારે શહેરનાં કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ વચ્ચે યુનિવર્સિટી રોડ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સોમવાર બાદ આજે ફરી અકસ્માતનાં દ્રશ્યો નજરે નિહાળનારા લોકોને ફરી તથ્યકાંડની યાદ આવી ગઇ હતી. બેફામ ઝડપે નીકળેલી કારની ઠોકરે એક્ટિવા ચડી જતાં તેના ચાલક ઊલળીને નીચે રસ્તા પર પટકાયા હતાં. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજા થતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. કારચાલક અને સાથેનાં શખ્સને લોકોએ પકડી પાડી પોલીસને સોંપવામાં આવ્યા હતાં.
એક જ અઠવાડિયામાં અકસ્માતની ત્રીજી ઘટના
સોમવારે બનેલી અકસ્માતની બે ઘટના બાદ આજે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં કારચાલકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં અને કારચાલક તથા સાથેના શખ્સને પકડી લઇ બેસાડી રાખ્યા હતાં. જે બાદ ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી દીધી હતી.
ચા પીવા ગયા હતા ને પાછા ફરતાં કારની ઠોકરે ચડ્યાં
કારની ઠોકરે ચડતાં ઉલળીને પછડાયેલા વાહન ચાલક પારસભાઇ વલ્લભદાસ હિરાણી (ઉ.વ.45) ને માથા-શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને કરી હતી. પારસભાઇ ઇન્સ્યુરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. સવારે તેઓ ટુ-વ્હીલર નં. GJ.03.MN.5091 લઇને ચા પીવા માટે ગયા હતાં અને પરત આવતાં હતાં ત્યારે કારની ઠોકરે ચડી ગયા હતાં. એકઠા થયેલા લોકોના કહેવા મુજબ કારની સ્પીડ બેફામ હતી. અકસ્માતને કારણે એરબેગ પણ ખુલી ગઇ હતી. જેણે અકસ્માત નજરે જોયો તે સૌ લોકો હેબતાઇ ગયા હતાં અને અમદાવાદની ઘટનાની યાદ આવી ગઇ હતી.
કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
હાલ ગાંધીગ્રામ પોલીસે GJ.05.RF.6251 નંબરની કારના ચાલક વિરૂધ્ધ પારસભાઇની ફરિયાદ પરથી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આ અકસ્માતમાં તેમને જમણા પગ અને ડાબા હાથમાં ઇજા થઇ હતી તેમજ ડાબા પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. કપાળનાં ભાગે ચાર ટાંકા આવ્યા હતાં અને ડાબી આંખ ઉપર પણ ઇજા થઇ હતી. લોકોએ જે બે શખ્સ કારમાંથી ઊતર્યા તેના નામ પૂછતાં તેણે પોતાના નામ કુંજ પરષોત્તમભાઇ પરસાણીયા તથા દર્શ અનિલભાઇ માકડીયા હોવાનું જણાવ્યુ હતું. જેમાં કુંજ કાર હંકારતો હોવાની વિગતો સામે આવી હતી.
અકસ્માતનાં CCTV ફૂટેજ આવ્યા
પૂરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલને અડફેટે લેતાં વાહન 15 ફૂટ દૂર ફેકાતું હોવાનું CCTV ફુટેજમાં દેખાયું. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
.