અરવલ્લી (મોડાસા)33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ખેડૂતોનો મુખ્ય આધાર ચોમાસા પર હોય છે. જો ચોમાસામાં સારો વરસાદ થાય તો ચોમાસુ ખેતી પણ પાકે અને બાકીની સિઝનમાં પાણીના કારણે સારી ઉપજ મળે. પણ છેલ્લા એક માસ જેટલા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ખૂબ ચિંતિત છે. જેથી ભગવાનનું શરણું લીધું છે.
સમગ્ર અરવલ્લી જિલ્લામાં 2.49 લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ વાવેતર કર્યુ છે. જેમાં મુખ્યત્વે મકાઈ, સોયાબિન, મગફળી અને કપાસનું મબલખ વાવેતર કરેલુ છે. શરૂઆતમાં સારો વરસાદ આવ્યો, પરંતુ છેલ્લા એક માસથી વરસાદ નથી. જેથી ખેડૂતોએ કરેલુ મહામૂલું વાવેતર નિષ્ફળતા ના આરે છે. કારમી મોંઘવારીમાં મોંઘા ભાવનું ખાતર, બિયારણ નાખી સારી માવજત પણ કરી છે. ત્યારે છેલ્લા એક માસથી વરસાદે હાથ તાળી આપી છે. જેથી વાવેતર સુકાવા લાગ્યું છે. વરસાદ નથી. જેના કારણે નદી, કુવા અને તળાવો પણ સુકાવા લાગ્યા છે. જેથી ખેડૂતના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે.
વરસાદ ના આવતા ખેડૂતો અને આમ જનતા હવે ભગવાનના શરણે આવ્યા છે. મેઘરજના રેલાવાડા ગામે ગ્રામજનોએ મહાદેવને અકળાવવાનું નક્કી કર્યું હતુ. તે મુજબ ગામમાં આવેલા મહાદેવના મંદિરે તમામ નાની બાલિકાઓ દ્વારા મહાદેવના ગર્ભગૃહમાં પાણી છલોછલ ભરીને શિવલિંગ ડૂબાડ્યું અને મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. એવી માન્યતા છે કે મહાદેવ ડૂબાડવાથી વરસાદ આવે. એ મુજબ આજે શિવલિંગ ડુબાડી વરસાદની માગ કરી છે.
.