અરવલ્લી (મોડાસા)એક કલાક પેહલા
- કૉપી લિંક
ખેડૂતો ખેતરમાં વાવેતર કરે પણ સમયસર પાણી ન મળે તો પાકમાં ઈયળ, ઉધઈ જેવી જીવાત પડે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચતા ખેતીપાક નષ્ટ થયો છે, મકાઈ, મગફળી, સોયાબીન અને કપાસમાં ઈયળ અને ઉધઈનો ઉપદ્રવ વધતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 1,92,426 હેક્ટર જમીનમાં ચોમાસુ વાવેતર કર્યું છે. આ વર્ષે ચોમાસામાં 60 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પણ વરસાદ નહિવત છે, શરૂઆતમાં સારો વરસાદ થવાથી ખેડૂતોએ બમ્પર વાવેતર કરીને મોંઘા ભાવનું બિયારણ ખાતર લાવીને સારી એવી માવજત કરી હતી અને એ પ્રમાણે સરસ મોલ લહેરાયેલ જોવા મળ્યો હતો. હવે પાક તૈયાર થવામાં એક કે બે પાણીની જરૂરિયાત છે. ત્યારે છેલ્લા એક માસથી વરસાદે હાથ તાળી આપી છે. નદીઓ તળાવ અને બોરમાં પણ પાણીના સ્તર નીચા ગયા છે. ખરા સમયે પાણી ન મળતા પાકમાં રોગનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ખાસ કરીને મકાઈ અને મગફળીના પાકમાં ઈયળ અને ઉધઈનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હવામાન વિભાગ પણ હજુ એક સપ્તાહ વરસાદ માટે રાહ જોવાનું કહે છે. ત્યારે ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે આ સપ્તાહમાં વરસાદ ના થાય તો જે ખેતીનો ખર્ચ મળવાની આશા હતી તેના પર પણ પાણી ફરી વળે એવી પ્રબળ શકયતા છે. ત્યારે ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને સરકાર પાસે પાક નુકશાનીનું વળતર આપે એવી માગ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલ કુલ ચોમાસુ વાવેતર: 1,92,426 હેક્ટર
- મકાઈ – 29457 હેક્ટર જમીનમાં
- મગફળી – 494280 હેક્ટર જમીનમાં
- સોયાબીન – 35834 હેક્ટર જમીનમાં
- કપાસ – 34481 હેક્ટર જમીનમાં
- ઘાસચારો – 16035 હેક્ટર જમીનમાં
.