રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં પ્રજાપતિ સોસાયટી મેઇન રોડ ઉપર ડીગ્રી વગર લોકોની સારવાર કરતા બોગસ ડોકટરને શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમી પરથી મવડી મેઇન રોડ બાપા સીતારામ ચોક પાસે પ્રજાપતિ સોસાયટી 40 ફૂટ મેઇન રોડ પર ક્લિનિકમાં દરોડો પાડી કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર દર્દીઓને ચકાસી દવા તથા ઈન્જેકશન આપતા બોગસ ડૉકટર અમૃતલાલ રાજાભાઇ ભાલોડીયા (ઉ.વ.68)ને પકડી લઈ દવા તથા મેડીકલના અલગ-અલગ સાધનો તથા રોકડ મળી કુલ રૂ.11,628નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી છેલ્લા 5 વર્ષથી ક્લિનિક ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે, આમ છતાં સ્થાનિક પોલીસને આ બોગસ ડૉક્ટર અંગે ખબર કેમ ન પડી તે સૌથી મોટો સવાલ છે.
જુગાર રમતા લોકોની ધરપકડ કરી રોકડ કબ્જે કરી
રાજકોટ શહેર LCB ઝોન-2ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે શહેરના રૈયાધાર ઇન્દીરાનગર મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મુકેશ ઉર્ફે અક્ષય ચુનીલાલ મકવાણા, અનીલ મનુભાઇ વઢવાણીયા, બંટી પ્રતાપભાઇ સોલંકી અને અરવિંદ મુળજીભાઇ સોલંકીને ઝડપી પાડી રોકડ રૂપીયા 11,350 કબ્જે કર્યા હતાં. જ્યારે બીજા દરોડામાં ઇસ્કોન એમબીટો ફ્લેટ ખાતેથી જુગાર રમતા પારૂલકુમાર મનસુખભાઈ શિણોજીયા, હીરા ઇશ્વરભાઇ વાછાણી, જય સુરેશભાઇ ફળદુ, જીગર વિનોદભાઈ દેલવાડીયા, રાજ સંજયભાઈ ધમસાણીયા તથા ધર્મેશ ભગવાનભાઇ જાવીયા સહિત 6 શખ્સોને પકડી રૂ.10,550ની રોકડ કબ્જે કરી હતી.
રીક્ષામાં દારુનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેર થોરાળા પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં ચુનારવાડ-2 માં દરોડો પાડી રાહુલ ઉર્ફ ઘોબારો નારણભાઇ ગોહેલને જીજે.24.ડબલ્યુ.4075 નંબરની રીક્ષામાં દારૂના જથ્થા સાથે પકડી લીધો હતો. વાહનમાંથી રૂ.1,44,000નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાલ દારૂ, વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાઈક ચલાવતા અજાણ્યા શખ્સો સાથે મારામારી
રાજકોટ શહેરના રામનાથપરા જૂની જેલ પાસે નવયુગપરામાં રહેતા અને બીએસસી આઈટીમાં અભ્યાસ કરતા ધ્રવેશ રસીકભાઈ સોંદરવા (ઉ.વ.18)એ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રિન્સ ભરવાડ અને તેની સાથે અજાણ્યા બે શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તે અને તેનો મિત્ર કૌશલ જંજવાડિયા બાઈકલઈ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે સંતકબીર રોડપર જલગંગા ચોકમાં ત્રિપલ સવારી બાઈક નીકળતા તેણે કાવો મારતા તેને બાઈક સરખુ ચલાવવાનું કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી બાઈકની ચાવી માથામાં ઝીકીં દીધી હતી. અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે પોલીસે ત્રણેય સખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
.