અમદાવાદ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદની કલર મર્ચન્ટ કો. ઓપરેટીવ બેન્કમાં ઓડીટ કરાવી વહીવટદાર મૂકવા બાબતે શહેર મહામંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર દ્વારા રજૂઆત કરી છે. આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, અમદાવાદમાં કલર મર્ચન્ટ કો. ઓપરેટીવ બેન્ક આવેલી છે. તેના વહીવટકર્તાઓ તરફથી અનેકગણી ગેરરીતીઓ બેન્કના કર્મચારી-બોર્ડ કે વહીવટકર્તા તરફથી થયેલી છે. જેના કારણે અનેક લોનધારકોએ ન્યાય મેળવવા પોલીસ અને નામદાર કોર્ટનો સહારો લીધો છે. બેંકનું N.P.A પણ 60 ટકા જેટલું થઇ ગયેલું છે. ડીપોઝીટરો પાસેથી બેન્કે ઊંચા વ્યાજ આપીને ડીપોઝીટ એકત્ર કરેલી છે.
લોકો બેન્કમાં રોકાણ કરીને ફસાઈ જવાનો આક્ષેપ
વધુમાં જણાવ્યું કે, હાલમાં પણ આજ રીતે વધુ વ્યાજ આપીને ડીપોઝીટ મેળવવાનું ચાલુ જ છે. અમદાવાદ કે રાજ્યમાં કોઈ સહકારી બેંક આટલું વ્યાજ નથી આપી શકતું. સીનીયર સીટીઝન તેમજ નિવૃત પરિવારના લોકો વધુને વધુ વ્યાજ મેળવવાના આશયથી આ બેન્કમાં પોતાનું રોકાણ કરવા જાય છે, પણ બેન્કની પરીસ્થિતિ તેઓને ખબર ન હોવાથી આવા લોકો રોકાણ કરીને ફસાઈ ન જાય તે હેતુથી ખાતેદાર, ડીપોઝીટરો તેમજ સભાસદોને ખાતર આ બેંકનું ઓડીટ કરાવી વહીવટદાર મુકવા વિનંતી છે. તેમજ હાલમાં પોલીસ તરફથી અને નામદાર કોર્ટ તરફથી પણ તપાસ ચાલુ હોય ડોક્યુમેન્ટ સાથે વહીવટકર્તાઓ છેડછાડ ન કરી શકે તે અંગે કાર્યવાહી તાકીદે કરવા વિનંતી છે.
.