17 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઇકોર્ટમાં થયેલી અરજી પર આજે જજ એ.એસ.સુપેહિઆ અને એમ.આર.મેંગડેની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા મુદ્દે કરેલી કામગીરીનો રિપોર્ટ આપ્યો હતો.રિપોર્ટમાં જણાવાયુ હતું કે, અમદાવાદ શહેરમાં 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત છે. ટોઇંગ કામગીરીમાં વધુ 16 ટોઇંગ વાન વસાવવામાં આવી છે. એક ટોઇંગ વાન પર ASI, હેડ કોન્સ્ટેબલ અને બે સાબોર્ડિંનેટ્સ ફરજ બજાવે છે. ટુ વ્હીલર વાહનોને ટો કરવા વધુ 14 ક્રેન અને ફોર વ્હીલર વાહનોને ટો કરવા વધુ 6 ક્રેન માટે ટેન્ડર અપાઈ ચૂક્યા છે.
18 લાખ રૂપિયા દંડ વસૂલાયો
ગેરકાયદે પાર્કિંગની એક મોટી સમસ્યા છે. જેમાં 2132 વાહનોને કલેમ્પ લોક મારવાની કામગીરી કરવામાં આવી છે. 25 જુલાઈ 2023થી આજ સુધીમાં 496 વાહનોને ટો કરાયા છે. ટ્રાફિક નિયમો તોડનારા પાસેથી 18 લાખ રૂપિયા દંડ વસૂલ કરાયો છે. ટ્રાફિક નિયમો તોડવા બદલ 3479 કેસ રજિસ્ટર્ડ કરાયા છે. ગેરકાયદે વાહન પાર્કિંગના 185 કેસ રજિસ્ટર્ડ કરાયા છે. રોંગ લેન ડ્રાઇવિંગના 606 કેસ કરાયા છે.
ખરાબ ડ્રાઇવિંગ અને શરાબ પીને પણ ડ્રાઇવિંગ- કોર્ટ
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, બહાર લોકો ખરાબ ડ્રાઇવિંગ અને શરાબ પીને પણ ડ્રાઇવિંગ કરે છે. ટ્રાફિક નિયમોના અમલ માટે કોર્ટના નિર્દેશોની જરૂર કેમ પડે? ઓથોરિટીએ જાતે તે કામ કરવાનું હોય. અકસ્માત થતા હોય તેવા સ્થળે તેને લગતા વોર્નિંગ બોર્ડ મૂકો. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ શહેરના 20 વિસ્તારોમાં ટાયર કિલર બમ્પની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, લોકોએ ટાયર કિલર બમ્પને માત કરવાની તરકીબો પણ શોધી નાખી છે, એટલે આવા લોકોને પકડવા ટાયર કિલર બમ્પ પાસે CCTV કેમેરા લગાવો.
કેટલાક લોકો નિયમોની અમલવારીના કામ પર પાણી ફેરવે છે- કોર્ટ
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકાર અને પોલીસ કામગીરી કરે જ છે. પરંતું કેટલાક નાગરિકો સારા નથી. આવા લોકો નિયમોની અમલવારીના સમગ્ર કામ પર પાણી ફેરવે છે. નિયમો તોડતા લોકોની સામે લોખંડી પંજાથી સરકારે કામ લેવું જોઈએ. બની શકે આવા ગેરજવાબદાર નાગરિકો ટાયર કિલર બમ્પ રાત્રે કાઢી પણ લે અને બેજવાબદાર લોકો આવું કરશે જ.
એસજી હાઇવે NHAI અંતર્ગત આવે- સરકારી વકીલ
ઉપરાંત હાઇવે પર CCTV કેમેરા લગાવવાની વાત પર સરકારી વકીલ જણાવ્યું હતું કે, હાઇવે નેશનલ હાઇવે ઓથોરિટી-NHAI અંતર્ગત આવે છે. જેમાં રાજય સરકાર કેમેરા લગાવી શકતી નથી. કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કહ્યું હતું કે, તેમના 24 ટકા કેમેરા કામ કરતા નથી. ટ્રાફિક નિયમોની અમલવારી થાય છે કે નહીં, તે જોવા માટે કોર્ટ નિરીક્ષકો પણ મૂકી શકે છે. આ મુદ્દે ચાલુ મહિનાના આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
.