ભાવનગર34 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની 18 પાલિકા ખાલી પડેલી 29 બેઠકો પર રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેનું પરિણામ આજે આવી ગયું છે. સામે આવેલા પરિણામમાં મોટાભાગે ભાજપની પેનલનો વિજય થયો છે. જોકે, કોંગ્રેસે ત્રણ પાલિકાની ખાલી પડેલી કેટલીક બેઠક પર કોંગ્રેસે બાજી મારી છે.
પાલનપુરમાં કોંગ્રેસ રિપિટ
વાત કરીએ પાલનપુર નગરપાલિકાની તો અહીં વોર્ડ નંબર-4 ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીમાં 37.96 ટકા મતદાન થયું હતું. આ વોર્ડના કોંગ્રી નગરસેવક મહંમદભાઈ મન્સૂરીએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું. જેના કારણે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બેઠક અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ચાર ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપે અરબ નદીમ મહંમદ અને કોંગ્રેસે રાજીનામુ આપનાર જ મહંમદભાઈ મન્સુરીને ટિકિટ આપી હતી. કુલ 12 બુથ માટે ત્રણ સ્કૂલોમાં મતદાન પ્રક્રિયામાં 37.96 ટકા વોટિંગ થયું હતું. આજે થયેલી 13 રાઉન્ડની મતગણતરીમાં ફરીથી કોંગ્રેસના મહંમદભાઈ મન્સુરી 48 વોટથી જીત થઇ છે.
ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસની જીત
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-4માં અપક્ષના ઉમેદવારે રાજીનામું આપતાં આ બેઠક ખાલી હતી. અહીં પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં 8000 ઉપરાંત મતદારોમાંથી 3600 જેટલા મતદારોએ મતદાન કરતા 43% મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીને 2024, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને 431 મળ્યા હતા. જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો 902 મતે વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
પાલિતાણાં પાંચમાંથી કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની જીત
પાલીતાણા નગરપાલિકાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ત્રણ બેઠકમાં કોંગ્રેસ અને બે બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. વોર્ડ નંબર -1 માં ખાલી પડેલી ત્રણ બેઠક પર 55.24 ટકા મતદાન થયું હતું. જેમા્ં કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા, કિરનબેન કૂકડેજા અને અલારખીબેન અબડાની જીત થઇ છે. જ્યારે વોર્ડ નંબર-7ની ખાલી પડેલી બે બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ ગઢવી અને રેખાબેન મકવાણાએ બાજી મારી છે.
કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય ઠેરવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવાર ઓમદેવસિંહ સરવૈયાનું ફોર્મ પાલીતાણાના આસી. કલેકટર અને ચૂંટણી અધિકારીએ અમાન્ય ઠેરવ્યું હતું જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને હાઇકોર્ટ દ્વારા રીટ પીટીશન સ્વીકારીને ઠેરવ્યું હતું કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારી રદ કરેલ તે માન્ય રાખવી અને ઓમદેવસિંહને ચૂંટણી લડવાની મંજૂરી આપેલ હતી.
ડમી ઉમેદવાર કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટણી લડ્યા
આ હુકમ સામે ચૂંટણી અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલ જેની સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો અને ચૂંટણી અધિકારીએ જે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું હતું તે માન્ય રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઓમદેવસિંહ સરવૈયાનું ચૂંટણી ફોર્મ રદ થતા તેમના સ્થાને કોંગ્રેસના ડમી ઉમેદવાર કિરીટભાઈ સાગઠીયા કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટણી લડ્યા હતા.