સુરતએક કલાક પેહલા
- કૉપી લિંક
- કતારગામના કોર્પોરેટરની ફરિયાદને પગલે ટેમ્પરરી સ્ટ્રક્ચરો શોધવા સર્વે યથાવત
- બીજીતરફ સરવેની કામગીરીને લઈને મૂળ કામ પર અસર પડતી હોવાનો કર્મીઓનો કચવાટ
કતારગામમાં ઓપન પ્લોટ પર બનેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચર આકારણી ચોપડે નોંધાયા ન હોવાની ફરિયાદ બાદ વિભાગે સર્વે કામગીરી ઉપર જોર વધાર્યું છે ત્યાં કતારગામ વિસ્તારના વધુ એક કોર્પોરેટરે ઝોનના આકારણી વિભાગ સામે ફરિયાદ રજૂ કરી તપાસની માંગ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટી સભ્ય ચીમન પટેલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના ઝીરો અવર્સમાં રજૂઆત કરી હતી કે, કતારગામ વિસ્તારની શ્રી કુંજ એપાર્ટમેન્ટના પાર્કિંગને વેરા બિલમાં દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં પણ તેનો વેરો પણ વસૂલાય રહ્યો હોવાની રજૂઆત કરી હતી. કતારગામ ઝોનના આકારણી વિભાગ સામે અગાઉ પાર્ટી પ્લોટની ઓછી આકારણી મામલે ફરિયાદો થઇ હતી. હવે ઓપન પ્લોટ પર બનેલાં ટેમ્પરરી સ્ટ્રક્ચર અને ડોમની આકારણી મુદ્દે ખુદ સ્થાનીક કોર્પોરેટરે ફરિયાદ કરતાં વિભાગે સમગ્ર ઝોન વિસ્તારના ટેમ્પરરી સ્ટ્રક્ચરોના સરવેની કામગીરી હાથ ધરી છે. જેના લીધે વિભાગની મૂળ કામગીરી હવે બાધિત થઇ રહી હોવાનો કર્મીઓમાં કચવાટ પણ ઊભો થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
રિવિઝન આકારણીમાં ચૂક ન કરવા આદેશ
કતારગામ ઝોનના આકારણી વિભાગે ટેમ્પરરી સ્ટ્રક્ચર દફતરે ચડાવવાની પ્રક્રિયા શરૂ કરતાં જ પાલિકા કમિશનરે પણ આ મુદ્દે ઝોનલ ચીફ મહેશ ચાવડાને પ્રકરણનું મોનિટરિંગ કરવા સૂચન કર્યો હોવાની માહિતી સાંપડી હતી. જેમાં ઓપન પ્લોટના શેડ તથા ડોમના સરવેની કામગીરીનું સ્ટેટસ જાણી હાલમાં કાર્યરત રિવિઝન આકારણીની પ્રક્રિયામાં ચૂક ન થાય તેની તાકીદ કરી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
અન્ય ઝોનના ટેમ્પરરી સ્ટ્રક્ચરની કાયદેસરતા સામે પણ સવાલ
કતારગામ ઝોનમાં 450 ઓપન પ્લોટ પર ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે ચાલી રહેલી હોટલ સહિતની હાટડીઓ સામે ફરિયાદ બાદ આકારણી વિભાગે સક્રિયતા દર્શાવી હતી. જોકે જે રીતે પાછળથી 190 જેટલાં ટેમ્પરરી સ્ટ્રક્ચરની આકારણી કરવામાં આવી છે તે બાબત અન્ય 8 ઝોનના ટેમ્પરરી સ્ટ્રક્ચરની કાયદેસરતા સામે પણ સવાલ ઊભાં કરી રહી છે. ઓપન પ્લોટ પર જોખમી ડોમ સામે ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવા પણ માંગ ઊઠી હતી.
.