બોટાદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઢડા તાલુકાના રાજપીપળા ગામે ગત રાત્રિના ઉકરડા કરવા અને વાડાનું ડિમોલિશન કરાવવાની દાઝ રાખી એકજ જ્ઞાતિનાં બે જુથ વચ્ચે લાકડી, લોખંડની પાઈપો, અને કુહાડી સાથે મારામારી થતાં કુલ 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમા 4 લોકોને ભાવનગર હોસ્પિટલ તેમજ બે લોકોને બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષોના કુલ 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળાના ગામે ગઈકાલે તા. 8 ઓગસ્ટ 2023ના રોજ સાંજના સમયે ભરતભાઈ સાજણભાઈ સાપરામેર કે જેઓના ઘર પાસે જાહેર બજારમાં ઉકરડાઓ કરેલા અને અગાઉ પશુઓના વાડાનું તંત્ર દ્વારા દબાણ હટાવાયુ હતું. જે બાબતે બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ત્યારે ગઈકાલે સાંજના સમયે સાજણભાઈ સાપરામેર અને ભીખાભાઈ શેફાતરા સાથે સામાન્ય વાતચીત કરતા બોલાચાલી થઈ હતી. બંનેના પરિવારો લાકડી, કુહાડી, લોખંડની પાઈપો સાથે દોડી આવ્યા હતા અને મામલો ઉગ્ર થતા મારામારી સર્જાઇ હતી.

મારામારીમાં કુલ 6 લોકોને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તમામને ગંભીર ઈજાઓને લઈને ફરજ પરના ડોક્ટરે સાજણભાઈ સાપરામેર, ગોવિંદભાઈ સાપરામેરને બોટાદ હોસ્પિટલ ખાતે જ્યારે ભરતભાઈ શેફાતરા, ભીમાભાઈ શેફાતરા, રઘુભાઈ શેફાતરા, લક્ષ્મણભાઈ શેફાતરાને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં ગઢડા પીઆઈ જાડેજા, પીએસઆઈ પંડ્યા સહિતનો પોલીસ કાફલો રાજપીપળા ગામે દોડી ગયા હતા અને પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને બંને પક્ષોના 18 લોકો વિરૂદ્ધ કલમ 326, 325, 323, 504, 506 (2), 143, 144, 147, 148, 149 તથા 135 મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે ગઢડા પોલીસ દ્વારા રાજપીપળા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.