કચ્છ (ભુજ )33 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ બુધવારે ભુજના દુર્ગમ હાજીપીર ખાતે હાજરી આપશે. અહી સ્વેચ્છીક સંસ્થા દ્વારા જરૂરતમંદ લોકો માટે તૈયાર કરાયેલા આવાસની અર્પણ વિધિ માટે સીએમ પધારશે. સીએમના આગમન માટે ખાસ હેલિપેડ પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રણ કાંધીએ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ હાજીપીર ખાતે હાલ મુખ્યમંત્રીના આગમનના પગલે વિવિધ વિભાગના કર્મીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ભુજ તાલુકાના દુર્ગમ રણ કાંધીએ આવેલા યાત્રાધામ હાજીપીર નજીક જરૂરતમંદ લોકો માટે લંડનની મેક અ ચેન્જ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 16 પાકા આવાસો બનાવી આપવામાં આવ્યા છે જેની અર્પણ વિધિ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સંસ્થા તરફથી બન્ની વિસ્તારમાં વસવાટ કરતા વાઢા કોલી સમાજ માટે પાકા મકાનો નિર્માણ કરી આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બન્નીના ગોરેવાલી, ધોરડો, ભીટારા, લુણા સહિતના ગામોમાં આ પ્રકારના મકાન સંસ્થાએ બનાવ્યા હોવાનું સ્થાનિકના અબ્દુલ મુંજાવરે જણાવ્યું હતું. સીએમના આગમનને લઇ ખાસ હેલિપેડ તૈયાર કરવાની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભુજ હાજીપીરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે સીએમ દ્વારા યોગ્ય સૂચન કરાય એવી લાગણી સ્થાનિકોમાં ઉઠી છે.