રાજકોટ7 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટ શહેરના આશાપુરા મેઈન રોડ પર આવેલ શ્રી અંબા જવેલર્સનો સેલ્સમેન મિતેષ રાજપરા રૂ.25.24 લાખના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઇ જતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આઠ મહિનાથી શો-રુમમાં કામ કરતો હતો
રાજકોટ શહેરના ઇન્દિરાસર્કલ પાસે રવિરત્ન પાર્ક શેરી નં.1 માં રહેતાં જીતભાઈ બળવંતરાય ફીચડીયા (ઉ.વ.32) એ ફરિયાદમાં આરોપી તરીકે મિતેષ જયંત રાજપરાનું નામ આપ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આશાપુરા મંદિરની પાછળ આશાપુરા મેઈન રોડ પર શ્રીઅંબા જ્વેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીનો વેપાર કરે છે. દુકાનમા કારીગર તરીકે કામ કરતો મીતેષ રાજપરા છેલ્લા આઠેક મહીનાથી દુકાનમા સેલ્સમેન તરીકે શોરૂમના બહારના કામ સંભાળતો હતો તેમજ પોતાની રીતે પણ પોતાનું નાનુ મોટું સોની કામ કરતો હતો.
સંબંધના દાવેથી સોના-ચાંદીના દાગીના મળ્યા
ગઇ તા.23.03.2023 ના રોજ તેઓ પોતાના શો-રૂમ પર હાજર હતાં ત્યારે શો-રૂમમા સેલ્સમેન તરીકે કામ કરતો મીતેષએ જણાવેલ કે, મારે ધંધાકીય કામ અર્થે સોના તથા ચાંદીના દાગીનાની જરૂરત હોય જેથી સંબંધના દાવેથી 23,772 ગ્રામ ચાંદીના દાગીના જેની આશરે કિંમત રૂ.24.54.938 તથા 22,55 ગ્રામ સોનાના દાગીના જેની આશરે કિંમત રૂ.1.37.500 જે કુલ મળી રૂ.25,92,438ના સોના-ચાંદીના દાગીના આપેલ હતા.
આરોપીએ કટકે-કટકે 20 હજાર આપ્યા
તેના બદલામાં આરોપીએ તેના પિતાના કેશોદની SBI બેન્ક શાખાનાં બે ચેક આપેલ હતાં. બાદમાં પ્રોમીસરી નોટ કરાવેલ કે, આ રૂપિયા અથવા સોના-ચાંદીના દાગીના તા.08.05.2023 સુધીમાં ચૂકવી આપશું. તેના થોડા સમય પછી આરોપીએ કટકે-કટકે બેન્ક એકાઉન્ટમાં 10 હજાર એમ બે વાર મળીને કુલ રૂ. 20 હજાર ચૂકવેલ હોય, જેથી તેઓ વિશ્વાસમાં આવી ગયેલ હતાં.
ખોટા વાયદાઓ આપી મુદ્દામાલ લઈને ફરાર
પરંતુ, મીતેષ બાકીની રકમ કે સોના-ચાંદીના દાગીના પરત આપતા ન હોય જેથી તેને આપી જવા માટે કહેલ પરંતુ આરોપી સોના-ચાંદીના દાગીના આજે-કાલે આપવાનું કહીને ખોટા વાયદાઓ આપતા હતો. જેથી આરોપી મિતેષ ફરિયાદી પાસેથી ચાંદીના કુલ 23,772 દાગીના અને સોનાના કુલ 22.55 ગ્રામ દાગીના જેના કુલ રૂ. 25,92,438ના મુદ્દામાલ લઇ ગયેલ હોય અને આજદિન સુધી સોના-ચાંદીના દાગીના પરત ન આપતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસી કલમ 408 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
.