સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસને લઈને સતત વિવાદો સામે આવતા રહે છે. કરોડો રૂપિયાનો ખોટ કરતી આ સેવાને લઈને શહેરીજનોમાં ધીરે ધીરે આક્રોશ જોવા મળી રહ્યો છે. બ્રેક ડાઉન થયેલી બસો કલાકો સુધી રસ્તા પર પડી રહેતા અનેક મુશ્કેલી સામે આવી રહી છે. ગઈકાલે પણ ઉધના દરવાજાથી ભેસ્તાન તરફના રૂટની સિટી બસમાં ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડ્યા હોવાના વીડિયો સામે આવ્યો હતો. તો કેટલાંક મુસાફરો બસના દરવાજામાં લટકીને મુસાફરી કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીયે છે કે, તમામ વાહનો માટે RTO દ્વારા કેટલાંક નિયમો ઘડવામાં આવેલા છે. જેમાં વાહનોમાં મુસાફરીની સંખ્યાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તેમ છતાં સરકારી બસોમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરવામાં આવે છે.

બસની બ્રેક ડાઉન થતા લોકોને હાલાકી.
ખોટકાયેલી બસોને ઉપાડતા નથી
ગઈકાલે પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડની નજીક જ સિટી બસ ખોટકાઈ જતા કલાકો સુધી મુસાફરો અટવાયા હતા. અંદાજે બાર વાગ્યાની આસપાસ બસ બંધ થઈ ગઈ હતી. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બસ બંધ થઈ જતા આખો રૂટ બંધ થઈ ગયો હતો. અન્ય કોઈ બસ ત્યાંથી પસાર થાય તેમ ન હોવાને કારણે બસ સ્ટેન્ડની બહારની બાજુએ જે રસ્તો છે, ત્યાંથી જ પસાર થતી હતી.

વિપક્ષની તપાસમાં અનેક બસો બંધ મળી.
જોખમી રીતે રસ્તો ક્રોસ કરવાની ફરજ
પર્વત પાટિયા અમેઝિયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બસ બંધ થઈ જતા મુશ્કેલી ઊભી થઈ હતી. મુસાફરો બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર જતા હતા, પરંતુ જ્યારે તેમને જાણ થઈ કે, બસ બંધ થવાને કારણે અહીં બસ નથી આવી રહી, ત્યારે સામેની તરફ બસ ઊભી રહેતી હતી. જેને કારણે મુસાફરોએ ફરજિયાત જોખમી રીતે રસ્તો ક્રોસ કરવાની ફરજ પડી હતી. બીઆરટીએસ બસ સ્ટેન્ડથી સામેના રસ્તા ઉપર જતી વખતે અન્ય વાહનોનો ધસારો હોવા છતાં પણ લોકો રોડ ક્રોસ કરતા દેખાયા હતા.

શાસકોને અધિકારીઓને પ્રજાને ચિંતા જ નથી: વિપક્ષ
આ મામલે વિપુલ સુહાગીયાએ જણાવ્યું હતું કે, જ્યારે હું આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બસ બંધ હાલતમાં જોવા મળી હતી. અમે આવીને તપાસ કરી તો જાણવા મળ્યું કે, ત્રણ-ચાર કલાકથી બસ બ્રેક ડાઉન થઈ છે અને પડી રહી છે. ડ્રાઇવરએ પણ કલાકો બાદ બ્રેક ડાઉન થયેલી બસને લઈ જવા માટે ફોન કર્યો હતો. પ્રજાના પૈસાથી કરોડો રૂપિયા ખર્ચને આ સુવિધા ઉભી કરવામાં આવી છે, પરંતુ સુવિધા આપવાને બદલે મુશ્કેલી ઊભી કરી રહી છે. 750 કરતા વધારે સિટી બસો સુરત કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે. તેમાંથી 150થી 200 બસો તો ડેપોમાં જ બગડેલી સ્થિતિમાં પડી રહે છે. અન્ય રોજની 15 જેટલી બસો તો અલગ અલગ વિસ્તારમાં રસ્તા ઉપર બંધ સ્થિતિમાં જોવા મળે છે. જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ થાય છે. અધિકારીઓ શા માટે કોન્ટ્રાક્ટરો સામે સખતાઈથી પગલા નથી લેતા એ સમજાતું નથી.

ઘેટા-બકરાની જેમ ભરેલી બસમાં લટકીને મુસાફરી.

વિપુલ સુહાગીયા, વિપક્ષ નેતા.

.