સુરત40 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃતક સેજલકુમારીની ફાઈલ તસવીર.
તાપી જિલ્લાના ડોલવણની એક વિદ્યાર્થિનીનું રાજકોટની કોલેજમાં બીએડના અભ્યાસ દરમિયાન અચાનક તાવ, માથાનો દુખાવો અને ખેંચ આવતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જો કે, સારવાર મળે એ પહેલાં જ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પરિવારની મોટી દીકરી શિક્ષિકા બને તે પહેલા જ મોતને ભેટતા શોકનો માહોલ છવાઇ ગયો હતો.
રાજકોટ બીએડ કરતી હતી
સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, રાત્રે 22 વર્ષની યુવતી સેજલકુમારી રાજેશભાઈ ચૌધરીને પરિવાર તાવ, માથાનો દુખાવો અને ખેંચની ફરિયાદ સાથે સારવાર માટે લઈ આવ્યો હતો. જો કે, સેજલકુમારીને કોઈ સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું. સેજલકુમારી રાજકોટની બીએડ કોલેજની વિદ્યાર્થિની હતી. વિદ્યાર્થિનીનું મોત થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
તાવ અને માથાના દુઃખાવા બાદ ખેંચ આવી
શ્રી મુરલીધર બીએડ કોલેજમાં સેજલકુમારીને એક મહિના પહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સેજલકુમારી કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે કોલેજ નજીક સોસાયટીમાં રૂમ રાખીને રહેતી હતી. 6 ઓગસ્ટે સેજલકુમારીને તાવ આવ્યો હતો. ત્યારબાદ માથું દુખાવાની ફરિયાદ કરી હતી. હોસ્પિટલ લઈ જતા સમયે ખેંચ પણ આવી ગઈ હતી. બે દિવસની સારવાર બાદ પણ તબિયતમાં કોઈ સુધારો ન થતા આખરે પરિવારને જાણ કરી સુરત રિફર કરવામાં આવી હતી.
પિતાને કોલ કરી કહ્યું કે, સારું થયા બાદ ઘરે આવીશ
તાપી જિલ્લાના ડોલવણમાં રાજેશ ચૌધરી પરિવાર સાથે રહે છે અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. સેજલકુમારી પરિવારની મોટી દીકરી હતી. શિક્ષિકા બનવું હતું અને રાજકોટની કોલેજમાં બીએડ કરવા ગઈ હતી. 6 ઓગસ્ટે પિતાને કોલ કરી કહ્યું હતું કે, પપ્પા બીમાર પડી ગઈ છું, હોસ્પિટલમાં છું, સારું થઈ જશે પછી આરામ કરવા ઘરે આવીશ.
વિદ્યાર્થિનીને પહેલા પણ ખેંચ આવી હતી
સેજલકુમારીની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે, તબિયત વધુ લથડતાં સુરત રિફર કરવામાં આવી હતી. પરિવાર સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવારમાં જણાવ્યા પ્રમાણે, સેજલને 2017માં પહેલીવાર ખેંચ આવી હતી. ખાનગીમાં સારવાર કરાવતા સારી થઈ હતી. ત્યારબાદ આ બીજીવાર ખેંચ સાથે તાવ આવ્યો હતો. જો કે, સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું.
.