મહિસાગર (લુણાવાડા)43 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ, શીતળા સતામની આજે સમગ્ર જગ્યાએ પૂજા કરવામાં આવી રહી છે ત્યારે, ખાસ કરીને રાજ્યમાં આજે શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે. બહેનો દ્વારા પોતાના ઘરેથી પૂજાની થાળી તૈયાર કરીને શીતળા માતાજીના મંદિરે, નદી તળાવ કિનારે જઈને પૂજા કરવામાં આવે છે.

મંદિરમાં શીતળા માતાજીની કથા અને પૂજા કરવામાં આવે છે. ઉપરાંત કેટલીક જગ્યાએ આજે માટીમાંથી શીતળા માતાની પ્રતિમા બનાવી પૂજા કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પણ પ્રથા ચાલતી આવી છે. ત્યારે આજે મહીસાગર જિલ્લામાં પણ વિવિધ સ્થળે માતાજીની આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આજે શીતળા સાતમની આસ્થાભેર પૂજા અર્ચના કરવામાં આવી છે. શહેરના વાસીયા તળાવ કિનારે માટીની શીતળા માતાની પ્રતિમાની પૂજા કરવામાં આવી છે. બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીની પૂજા કરાવવામાં આવી છે.

વર્ષોથી લુણાવાડા નગરમાં વાસીયા તળાવ ખાતે શીતળા સાતમના દિવસે પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો અહીંયા પૂજા કરવા માટે પોંહચ્યા હતા અને માતાજીની પૂજા કરી હતી. જ્યારે કેટલાક લોકો સંતાન પ્રાપ્તિ માટે પારણાંની બાધા માનતા રાખતા હોય છે. જેમની માનતા પૂર્ણ થતાં માતાજીને પારણું અર્પણ કરતા હોય છે.

આજે વહેલી સવારથી બહેનો અને નગરવાસીઓ માતાજીની પૂજા કરવા પોંહચ્યા હતા. શીતળા માતાજીની પૂજા કર્યા બાદ તળાવ કિનારે આવેલા શ્રી નંદકેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોએ દર્શન કર્યા હતા.



.