‘At Home’ program held in Valsad in presence of Governor and Chief Minister, met prominent citizens of the district | વલસાડમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો, જિલ્લાના અગ્રણી નાગરિકો સાથે મુલાકાત કરી

Spread the love

વલસાડ8 કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એટહોમ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે સરકારી કચેરીઓમાં વીજળી બચાવવાનું અભિયાન છેડવાની હાકલ કરી હતી. વલસાડ સ્થિત સી. બી.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં રાજ્યપાલ વલસાડ સહિત રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ દેવવ્રતે રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવ સાથે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્રનિર્માણની નવી ચેતનાનો અનુભવ કરી રહ્યો છે. એટલું જ નહીં, ભારતની સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનું ગૌરવ પુન:સ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. તેમના પંચ પ્રણની પ્રેરણા અંતર્ગત વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને એવું આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રનું નવનિર્માણ પ્રેમ, ભાઈચારા અને પરિશ્રમથી થાય છે. દેશનો પ્રત્યેક નાગરિક કર્તવ્ય ભાવનાનું પાલન કરે તો દેશને વિકસિત ભારત બનતા વિશ્વની કોઈ તાકાત રોકી નહીં શકે. દેવવ્રતજીએ આઝાદીના અમૃત્ત કાળમાં સૌ નાગરિકોને રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલિ રેલાવી વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતું. કાર્યક્રમમાં સંગીત વૃંદે રજૂ કરેલા કસુંબીનો રંગ, એ વતન.. મેરે વતન… આબાદ રહે તું.., દિલ દિયા હૈ જાન ભી દેગે. એ વતન તેરે લિયે, જેવા દેશભક્તિ નીતરતા ગીતોથી ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયા હતા. આ પ્રસંગે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને ગણમાન્ય નાગરિકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *