- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Another Organ Donation On World Organ Donation Day In Surat Family Of Brain dead Patient Donates Liver, Kidney And Eyes In Surat, Gives New Life To 4 People
સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વિશ્વ અંગદાન દિવસે જ દાનવીરની ધરતી સુરતથી વધુ એક અંગનું દાન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નંદુરબાર ગામથી પરત ફરતા 47 વર્ષીય કમલેશભાઈ પાટીલનું માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ થયા હતા, ત્યારે કમલેશભાઈના પરિવારે વિશ્વ અંગદાન દિનના દિવસે જ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને કમલેશભાઈના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરીને ચાર લોકોને નવજીવન આપીને સમાજને નવી દિશા બતાવી હતી.
અકસ્માત બાદ અજાણ્યા લોકોએ હોસ્પિટલ પહોંચાડ્યા
મૂળ નંદુરબાર મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ સુરતના ડીંડોલીમાં C-36,શિવસાઈ શક્તિ સોસાયટી ખાતે રહેતા અને ઉધના ત્રણ રસ્તા પાસે ઓમ સાઈ મિસળ પાઉં સેન્ટર નામની લારી ચલાવતા કમલેશભાઈ ગત તા. 10 ઓગસ્ટના રોજ નંદુરબાર મહારાષ્ટ્રમાં મામાને ત્યાં દસમાંની વિધિમાં ગયા હતા. નંદુરબાર મહારાષ્ટ્રથી પરત સુરત આવતા રસ્તામાં ગાડી પરથી પડી ગયા હતા. અજાણ્યા લોકોએ તેમને તાત્કાલિક નંદુરબારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ સ્મિત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 11 ઓગસ્ટના રોજ તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. કમલેશભાઇને બ્રેઈન હેમરજ હોવાનું જણાતા 12 ઓગસ્ટના રોજ તેમની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરોએ કમલેશભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
અંગદાન કરવાની પ્રક્રિયા
કમલેશભાઈ બ્રેઈનડેડ જાહેર કરતા ડોક્ટરો દ્વારા અંગદાન માટે કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફને જાણ કરવામાં આવી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલની સાથે રહી કમલેશભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. કમલેશભાઈના ભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ સાથે મળી અંગદાન કરવાનો સંમતિ આપી હતી.
કોઈને નવજીવન મળતું હોય તો આ અંગદાન ઉત્તમ
આ અંગદાનને લઈને પરિવારે જણાવ્યું હતું કે, આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે. તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ કમલેશભાઈના અંગદાન કરવાની સંમતી આપી હતી. કમલેશભાઈના પરિવારમાં તેમની માતા જીજાબેન, પત્ની નિર્મલાબેન, ભાઈ પ્રકાશ છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે.
બે લોકોના જીવનમાં પ્રકાશ ખીલ્યો
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા ડોનેટ લાઇફ દ્વારા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની ,લિવર અને ચક્ષુ સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, 62 વર્ષિય વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, 41 વર્ષિય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 1160 અંગો અને ટીસ્યુઓનું દાન
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1160 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 478 કિડની, 206 લિવર, 48 હૃદય, 40 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 375 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1064 લોકોએ નવુજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
.