રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતનાં દાસ દર્શાવતા હોવાનો વિવાદ હજુ પૂર્ણ રીતે શમ્યો નથી. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં રામાનંદી નવ નિર્માણ સેનાનાં અધ્યક્ષ દ્વારા નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં ભગવાન સૂર્યને નીચા બતાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવાયો છે. અને આ પુસ્તકને કારણે આવનારી પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી હોવાનું જણાવી તાત્કાલિક આ પુસ્તક પર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી છે.
નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં ભગવાન સૂર્યને નીચા બતાવવાનો આરોપ
રામાનંદી નવનિર્માણ સેનાના અધ્યક્ષ નિખિલ નિમાવતે જણાવ્યું હતું કે, આજે નીલકંઠ ચરિત્ર નામનું પુસ્તક પ્રકાશમાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં હનુમાનજીનાં ગુરુ તેમજ વિશ્વને પ્રકાશિત કરનારા ભગવાન સૂર્ય નારાયણનું અપમાન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સૂર્ય નારાયણને પણ સંતો પગે લગાડતા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. તેમજ પુસ્તકના લેખમાં પણ સૂર્ય ભગવાનને નીલકંઠ વર્ણીથી નીચા પણ બતાવવામાં આવ્યા છે. આ પ્રકારનાં પુસ્તકો છાપીને સ્વામિનારાયણનાં સંતો દ્વારા ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે.
આવા પુસ્તકો પર પ્રતિબંધ મુકવા માગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના પુસ્તકો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક પુસ્તકો સનાતન ધર્મને નીચો દેખાડવાની કોશિશ કરે છે. બાળકો આવા પુસ્તકો વાંચીને ગેરમાર્ગે દોરાય છે. અને સનાતન ધર્મીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સાળંગપુરનાં ભીત ચિત્રો હટાવવાની સાથે આવા પુસ્તકો પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેલી તકે આવા પુસ્તકને પ્રતિબંધિત કરે તેવી માંગ પણ તેમણે ઉચ્ચારી છે. ત્યારે હવે આ વિવાદ મામલે સરકાર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે ? તેમજ સનાતન ધર્મના સંતો આ મામલે પણ વિરોધ નોંધાવશે કે નહીં ? તે તો આવનારો સમય જ બતાવશે.
.