એક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ મનપા દ્વારા ચાલતા ફાયર સેફટી ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત શાળા-કોલેજો બાદ હવે ખાનગી ટયુશન કલાસ અને એકેડેમીના છાત્રોને પણ તાલીમ આપવામાં આવી રહી છે. ગઇકાલે ભવાની ચોક ખાતે હાઇરાઇઝ બિલ્ડીંગ આકાર હાઇટસમાં રહેવાસીઓેને તાલીમ આપવામાં આવી હતી. જેમાં પતંજલી ઇન્સ્ટીટયુટ, લોરેટો ધ એકેડમી ઓફ ઇંગ્લીશ, શિવ ગૃપ, નચિકેતા એકેડમી, એજ્યુવેલી ઇન્સ્ટીટયુટ, છગ ગૃપ ટયુશન અને રાવલ્સ ઇન્સ્ટીટયૂટના 238 વિદ્યાર્થીઓને કલાસીસમાં ફાયર સેફટી અંગે તાલીમ અપાઇ હતી.
આચાર્યોની ભરતી કરવા ખાસ અભિયાન હાથ ધર્યો
રાજકોટ શહેર જીલ્લાની 106 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી પડેલ જગ્યા પર ઉમેદવારોની ભરતી કરવા માટે શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં જીલ્લાની 106 ગ્રાન્ટેડ શાળાઓ માટે ગત તા.11ના રોજ 1 દિવસમાં 611 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવેલ હતા. જેમાં 42 ગ્રાન્ટેડ શાળાઓની આચાર્યની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. એક જ દિવસની લાંબી મેરેથોન બાદ 42 શાળાઓની આચાર્યોની જગ્યા માટે પસંદગી પામેલા આ ઉમેદવારોને તે જ દિવસે શિક્ષણાધિકારી દ્વારા નિમણુંકના હુકમો આપવામાં આવેલ હતા.

27 મતદાન મથકો નવા ઉમેરાયા
રાજકોટ શહેર-જિલ્લાના મતદાર મથકોની ફાઈનલ યાદી ચૂંટણી અધિકારી દ્વારા રાજયના ચૂંટણી કમિશનરને સુપ્રત કરી દેવામાં આવી છે. રાજકોટ શહેર-જિલ્લામાં હાલ 2253 મતદાન મથકો છે. જેમાં હવે 46 મતદાન મથકો મર્જ કરવામાં આવનાર છે. જયારે 27 મતદાન મથકો નવા ઉમેરાણા છે. આ ઉપરાંત 29 મતદાન મથકોનો ઘટાડો થનાર છે. ચૂંટણી અધિકારી-એડી.કલેકટર ખાચર દ્વારા સર્વે તેમજ રાજકીય પાર્ટીઓના આગેવાનોને સાંભળી રાજકોટ શહેર જીલ્લાના મતદાન મથકોની નવી યાદી તૈયાર કરવામાં આવી છે. મતદાન મથકથી 1500 મતદારોની મર્યાદાને ધ્યાનમાં રાખી આ નવી યાદી તૈયાર કરવામાં આવી છે જે મુજબ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ શહેર જીલ્લામાં 2224 જેટલા મતદાન મથકો રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હરાજીમાં યાંત્રિક રાઇડ્સના વેપારીઓ ભાગ નહીં લે
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર રસરંગ લોકમેળાના યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી અંગે વેપારીઓએ પોતાની વિવિધ માંગણીઓ દોહરાવી બહિષ્કાર કર્યા બાદ આજે સીટી-1 પ્રાંત અધિકારી ચૌધરીએ શનિવારની રજાના દિવસમાં પણ વેપારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં યાંત્રિક રાઇટસની ટીકીટના દરમાં વધારો, જન્માષ્ટમીના દિવસે મેળાનો સમય લંબાવી રાત્રીના 1 વાગ્યાનો કરવા સહિતની માંગણીઓ અસ્વીકાર કરી હતી. હવે સોમવારે વહીવટી તંત્ર દ્વારા યાંત્રિક રાઇડ્સના પ્લોટની હરાજી રાખવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટે મોટાભાગના વેપારીઓ સહમત થઇ ગયાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હરાજીમાં યાંત્રિક રાઇડ્સના વેપારીઓ ભાગ નહીં લે તો ખાનગી મેળાની રાઇડ્સ લોકમેળામાં લાવવાનો વિકલ્પ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો રાખવામાં આવેલ છે.
.