રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાએ તા.11 થી 16 દરમ્યાન કાલાવડ રોડ, માયાણીનગર, ગુંદાવાડી, ધરાર માર્કેટ રોડ પરથી 8 રેંકડી જપ્ત કરી હતી તો મવડી, જયુબીલી, જંકશન, રેસકોર્ષ રીંગ રોડ પરથી 42 વસ્તુઓ કબ્જે કરી છે. આ સપ્તાહમાં જુદા-જુદા વિસ્તારમાંથી 623 કિલો શાકભાજી અને ફળ જપ્ત કરાયા હતા. કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ પરથી સાત બોર્ડ-બેનર જપ્ત કરાયા હતા. જુદા-જુદા વિસ્તારમાંથી રૂા. 18 હજારનો મંડપ કમાન ચાર્જ અને રૂા.65 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યાનું દબાણ હટાવ શાખાએ જણાવ્યું હતું.
કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર તથા ઓસમ ડુંગર ખાતે બીજા તબક્કાની કામગીરી વિષે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે સણોસરાના દરબારગઢના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં લઈ હેરિટેજ તરીકે આ સ્થળનો વિકાસ કરવા સંબંધીતોને સૂચના આપી હતી. આ સાથે જ શેમળી નદી પર રિવરફ્રન્ટ તેમજ રામોદ ખાતે પ્રવાસન સ્થળની કામગીરી વિષે ચર્ચા કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા નવી રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા કરી હતી.
સફાઈ કામદારોની ભરતી અંગે સફાઇ આયોગના અધ્યક્ષને રજૂઆત
રાજકોટ મનપામાં 26 વર્ષથી સફાઇ કામદારોની ભરતી કરવામાં આવી નથી. જેને લઈને વાલ્મિકી સમાજમાં લાંબા સમયથી અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે કામદાર યુનિયન દ્વારા અનેક રજૂઆતો અને આંદોલન પણ કરાયા હોવા છતાં શાસકો દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાતા નથી. જેને લઈને આજે ફરી એકવાર આ મામલે કામદાર યુનિયન દ્વારા ચાલતા આંદોલનના ભાગરૂપે આયોગના અધ્યક્ષ એમ. વેંકટેશન, ઉપાધ્યક્ષ અંજના પવારને આવેદનપત્ર અપાયું હતું. તો આજે ફરી મનપા કચેરી ખાતે ફરી યુનિયન આગેવાનોએ ભરતી માટે રજૂઆત કરી હતી. આ તકે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હાજર રહ્યા હતા.
.