અમદાવાદ6 કલાક પેહલા
- કૉપી લિંક
સરસપુરમાં રહેતી રાખીમાસી નામના કિન્નરનાં ઘરે જઈને આરોપીએ પૈસા આપ એમ કહીને ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે રાખી માસીના હાથ પર છરો મારી દીધો હતો અને ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈન ખેંચીને આરોપી ફરાર થઈ ગયો હતો. રાખી માસીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ તોલાની ચેઈન ખેંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સરસપુરમાં ગુરૂદ્વારા સામે રહેતી રાખી માસી માંગવાનું કામ કરે છે. તેની સામે જી.એમ. કંપાઉન્ડમાં શાહિદ તૈલી નામનો શખ્સ રહે છે. બે દિવસ પહેલાં આ શખ્સ રાખી માસીના ઘરે આવ્યો હતો. રાખી માસી રસોઈ બનાવતાં હતાં. તે સમયે આ શખ્સે તેની પાસે પૈસા માંગ્યા હતાં અને ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. રાખી માસીએ તેને ગાળો બોલવાની ના પાડતાં આ શખ્સે ક્યાંકથી છરો લાવીને તેના હાથ પર મારી દીધો હતો. ત્યારબાદ આ શખ્સ રાખી માસીના ગળામાંથી ત્રણ તોલાની સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાખી માસીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. રાખી માસીને હાથમાંથી લોહી નીકળતું હોવાથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા માટે 108ને બોલાવવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. રાખી માસીએ આ શખ્સ સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
.