રાજકોટ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ એરપોર્ટ પર અવારનવાર વિવિધ એર લાઈન્સ કંપનીઓના વિમાનોમાં ટેક્નીકલ-યાંત્રિક ક્ષતિ સર્જાતા વિમાન ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ત્યારે આજે ઈન્ડિગોની બપોરે રાજકોટથી ઈન્દોર જતી ફ્લાઈટમાં યાંત્રીક ખામી સર્જાતા ફ્લાઈટનું એ.સી.બંધ થઈ ગયું હતું. જેને લઈને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. મુંબઈથી એન્જીનીયરની ટીમ આવી પહોંચી હતી. એન્જીનીયરની આ ટીમે ટેક્નીકલ ક્ષતિ દુર કરતા આ ફ્લાઇટે પોણો કલાક મોડી ઉડાન ભરી હતી.
એન્જીનિયરની ટીમ રાજકોટ આવી
પ્રાપ્ત વિગત મુજબ આજે ઈન્ડિગોની ફ્લાઈટ IGO 7436 ઈન્દોર રાજકોટ તેના નિર્ધારીત સમયે 11.35 કલાકે રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થયા બાદ પરત જવા તૈયાર થઈ હતી. IGO 7437 રાજકોટથી ઈન્દોરની આ ફ્લાઈટમાં મુસાફરોને બેસાડ્યા બાદ વિમાનમાં AC સીસ્ટમ બંધ થઈ હતી. જેને પગલે મુસાફરોને નીચે ઉતારી આ વિમાન ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. બાદમાં એરલાઈન્સ કંપનીએ એન્જીનીયરની મદદ માંગી હતી. જેને પગલે ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટમાં એન્જીનિયરની ટીમ રાજકોટ આવી પહોંચી હતી.
મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો
એન્જીનીયરની ટીમ દ્વારા ગ્રાઉન્ડ થયેલી ફ્લાઈટની ટેક્નીકલ ક્ષતિ દૂર કરવામાં આવી હતી. મુસાફરોને ફરી વિમાનમાં બેસાડી બપોરે 1.56 કલાકે ઈન્દોર જવા ઉડાન ભરી હતી. આમ ટેક્નીકલ યાંત્રિક ખામી સર્જાતા ઈન્દોરની ફ્લાઈટ પોણો કલાક મોડી ટેકઓફ થઈ હતી. જોકે ખૂબ જ ઓછા સમયમાં ટેક્નીકલ ક્ષતિ દૂર કરીને મુસાફરોને એ ફ્લાઈટમાં ઈન્દોર પહોંચાડવામાં આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
.