આણંદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
- આણંદના ગણેશ બ્રિજ પાસેનો કાર શો રૂમ ચોરોના નિશાના પર
આણંદ શહેરના ગણેશ ઓવર બ્રિજ ઉતરતા આવેલા મારૂતિ સુઝુકીના કટારીયા મોટર્સ શોરૂમના શટરનું લોક તોડીને તસ્કરોએ કેશિયરના ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂપિયા 12.93 લાખની ચોરી કરી જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. તસ્કરોઅે રાતે રાત્રીના 1.45 થી 2.30 વાગ્યા દરમિયાન ખેલ પાડયો હતો. આ મામલે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના ગણેશ ઓવરબ્રિજ ઉતરતા કટારીયા મોટર્સ મારુતિ સુઝીકિનો શોરૂમ આવેલો છે. શનિવારે રાત્રિના સમયે તસ્કરોએ શો રૂમને નિશાન બનાવીને શો રૂમના શટરનું લોક તોડીને અંદર પ્રવેશી કેશિયરના ડ્રોઅરમાં મુકેલા રોકડા રૂપિયા 12.93 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ હાલમાં તહેવારો નજીક હોય શો રૂમને રવિવારે પણ ખુલ્લો રાખવામાં આવે છે. દરમિયાન, સવારના સમયે મારૂતિનું બિલ બનાવવાનું કામ કરતો ચિખોદરાના રાજોડપુરા ગામે રહેતો સંદિપ ગોહેલ આવ્યો હતો. જેણે લોક તૂટેલી હાલતમાં જોતાં જ તે ચોંકી ઉઠ્યો હતો અને તેણે આ બનાવ અંગેની જાણ શો રૂમના મેનેજર ધવલ સૂચકને કરી હતી. જેને પગલે તેઓ તેમજ કેશિયર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. તેઓ દ્વારા તપાસ કરતા શોરૂમના તાળા તૂટેલા હતા અને તમામ સામાન અસ્તવ્યસ્ત હતો. કેશિયર અભિષેક ગુહાને ગાડીના ડાઉન પેમેન્ટ, બુકીંગ, ઈન્સ્યોરન્સનું પેમેન્ટ, સાંજે મોડું થતાં લોકરમાં મૂક્યું નહોતું અને ડ્રોઅરમાં જ મૂક્યું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
હાલમાં આણંદ ગ્રામ્ય પોલીસે આ મામલે મેનેજર ધવલ સૂચકની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફૂટેજમાં ત્રણથી ચાર ચડ્ડી બનિયાનધારી દેખાયા પોલીસની ટીમ સ્થળ તપાસ કરી છે. શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં રાત્રીના 1.45 થી 2.30ના સમયગાળા દરમિયાન, ત્રણથી ચાર ચડ્ડી બનીયાનધારી બુકાનીધારી શખસો શોરૂમનું તાળું તોડી અંદર પ્રવેશી ચોરી કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. પરંતુ તેમના ચહેરા સ્પષ્ટ ઓળખાતા નથી. સોમવારે ડોગ સ્કવોડની મદદ લેવાશે. હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે. > એન્ડ્રુઝ અંસારી, પીઆઈ, આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.
.