ભાવનગર22 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વાત કરીએ ભગવાન શિવના એક એવા મંદિરની, એક એવા શિવલિંગની જેના પર ખુદ દરિયા દેવ જળાભિષેક કરે છે. રસપ્રદ વાત એ છે કે આ શિવલિંગ દરિયામાં ડૂબેલું રહે છે અને તેના દર્શન કરવા માટે દરિયો રસ્તો આપે ત્યારે જ જઈ શકાય છે. તો આવો જાણીએ દરિયામાં એક કિમી અંદર આવેલા નિષ્કલંક મહાદેવના મંદિર વિષે…
ભાવનગર શહેરથી આશરે 25 કિલોમીટરના અંતરે કોળિયાક ગામથી આશરે 3 કિ.મી.ના અંતરે દરિયાની વચ્ચે નિષ્કલંક મહાદેવની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. નિષ્કલંક મહાદેવ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કેમ કરવામાં આવી અને આ શિવલિંગની સ્થાપના કરવા પાછળનો તેનો અનેરો મહિમા છે, તો શ્રાવણ માસ નિમિતે gnews24x7નો ખાસ વિસ્તૃત અહેવાલ…
મંદિરની કથા મહાભારતનાં સમયની
નિષ્કલંક એટલે કે નિષ-કલંક. જ્યાં કોઈ જ કલંક નથી તે જગ્યા. આ મંદિરની કથા મહાભારતનાં સમયની હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા અનુસાર મહાભારતના યુદ્ધમાં પાંડવોએ પોતાના ભાઇઓનો વધ કર્યો હતો. જેથી પાડવોને લાગતું હતું કે એમણે પાપ કર્યું છે અને આ પાપને કારણે પાંડવો દુઃખી હતા. જેથી તેઓ ભગવાન શ્રીકૃષ્ણ પાસે પોતાના દુઃખ દૂર કરવા માટે ગયા હતા. ત્યારે ભગવાને પાંડવોને એક કાળો ધ્વજ અને એક કાળી ગાય આપીને કહ્યું હતું કે તમારે આ ધ્વજ સાથે રાખીને ગાયની પાછળ જવું પડશે. જ્યારે આ ગાય અને ધ્વજ સફેદ થઈ જશે ત્યારે તમને માફી મળી ગઈ એમ સમજવું..
પાંડવો કોળિયાક પહોંચ્યાને ગાય અને ધ્વજનો રંગ બદલાઈ ગયો
ભગવાનની આજ્ઞા અનુસાર તેઓ પાંડવો નીકળી પડ્યા અને 68 તીર્થ યાત્રા કર્યા પછી ગુજરાતના ભાવનગર નજીકના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પર પહોંચ્યા ત્યારે ગાય અને ધ્વજનો રંગ બદલાઈને સફેદ થઈ ગયા હતા. આમ, પાંડવોના પાપોનું પ્રાયશ્ચિત થયું હતું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કીધું કે તમારે ભગવાન શંકરનું પ્રાયશ્ચિત તપ કરવું પડશે. જેથી પાંડવોએ ભગવાન શંકરની પૂજા-અર્ચના કરી. જેનાથી યુદ્ધમાં કરેલી હિંસાના પરિણામે લાગેલા કલંકથી પાંડવોને મૂક્તિ મળતાં તેઓ નિષ્કલંક થયા અને અને કોળિયાક ખાતે પાંચ શિવલિંગની સ્થાપના કરી, જેથી આ મહાદેવ મંદિર નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે.
દરિયાદેવ રસ્તો આપે ત્યારે જ દર્શન કરી શકાય છે
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાતએ છે કે, દરિયામાં વચ્ચે આવેલું છે, જ્યારે દરિયાનું પાણી ઉત્તરે ત્યારે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા અડધો કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. ભક્તો દર્શન કરવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવના જઈને દર્શન કરી આવે છે. આ સ્થળે સુદ અથવા વદ એકમે સવારના 9 થી બપોરના 12 સુધી ત્યાં જઈ શકાય છે. ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબીમાં જાય તે પહેલાં બપોરે 12 વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે. આમ, ભગવાન દિવસમાં બે વખત દર્શન આપે છે. બાકીના સમયમાં જળમગ્ન રહે છે. લોકોનું માનવું છે કે, મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કોળીયાકનો મેળો પણ ખુબ જ પ્રચલિત
સૌરાષ્ટ્રમાં યોજાતા મેળામાં ભાવનગરના કોળીયાકનો મેળો ખુબજ પ્રચલિત છે. દરવર્ષે શ્રાવણ માસ પૂર્ણ થતાં આ પરંપરાગત મેળો ભાદરવી અમાસના દિવસે ભરાય છે. આ મેળો બે દિવસ ચાલે છે જે ભાદરવી અમાસની એક દિવસ પહેલાથી લોકો ત્યાં ઉમટી પડે છે, આખી રાત્ર દરિયા પાસે પસાર કરે છે. અહીં દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.
દેશભરમાંથી લાખો ભક્તો ઉમટે છે
gnews24x7 સાથેની વાતચીતમાં મહંત પ્રવીણગિરી ગોસ્વામી જણાવે છે કે, શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી લાખો લોકો અહીં આવે છે. ખાસ ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવને ભાવનગરના રાજવી પરિવારની ધ્વજા ચડાવ્યા બાદ દર્શન માટે શ્રદ્ધાળુઓને જવા દેવામાં આવે છે. ભાદરવી અમાસના દિવસે લોક મેળો ભરાય છે, જેમાં લાખો લોકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અહીં પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે
gnews24x7ને રાજેન્દ્રભાઈ પંડ્યા જણાવે છે કે, અહીં લોકો પિતૃતર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કરવા આવે છે અને પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. કારણ કે અહીંયા પાંડવોના પાપો દૂર થઈ હતા અને નિષ્કલંક મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી તો અન્ય લોકોના પાપ દુર થઇ જ જાય..