રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં શિક્ષણજગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલી લેઉવા પટેલ બોર્ડિંગમાં ધોરણ-8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલના રેક્ટર તેમજ અન્ય એક સાથી વિદ્યાર્થી પરેશાન કરતા હોવાનો આરોપ આ વિદ્યાર્થી અને તેના પરિવારે લગાવ્યો છે. એટલું જ નહીં રેકટર અવારનવાર બિભત્સ વીડિયો બતાવીને અડપલાં કરતો હોવાનું પણ જણાવાયું છે. હાલ ગંભીર ઈજાને પગલે ભોગ બનનાર બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકની શરિર પર માર માર્યાનો નિશાન
“મને તેના રૂમમાં લઇ જતા”
સમગ્ર મામલે ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનાં રેકટર વસોયા સાહેબ હેરાન કરતા હતા. હું રૂમમાં સુઈ ગયો હતો અને સાથે રહેતો વિદ્યાર્થી લખતો હોવાને કારણે લાઈટ ચાલુ હતી. જેને કારણે મને નીચે લઈ ગયા હતા. એટલું જ નહીં હું તોફાન કરતો હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. બધા રૂમમાં જતા રહે પછી મને તેના રૂમમાં લઇ જતા હતા. જ્યાં ગંદા વીડિયો બતાવીને અડપલાં કરતા હતા. બાજુના રૂમમાં રહેતો વિદ્યાર્થી પણ છેલ્લા 15 દિવસથી ટોર્ચર કરે છે. મારા માતા-પિતા અને દીદી વિશે પણ ખરાબ બોલતો હતો અને તેનું કામ મારી પાસે જ કરાવતા હતા. જેમાં થોડી વાર લાગે તો પટ્ટા વડે માર મારતા હતા. ગઈકાલે પણ મને તેના કપડાં 5 મિનિટમાં સંકેલવા કહ્યું હતું. જે હું નહીં કરી શકતા પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.
ભોગ બનનાર માસૂમ બાળક
સાથી વિદ્યાર્થી દ્વારા પટ્ટા વડે માર મારવામાં આવતો
ભોગ બનનારનાં કાકાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો 150 ફૂટ રિંગરોડ પરનાં બાલાજી હોલ પાસે આવેલી હોસ્ટેલમાં રહે છે. મારા ભાઈ હીરા ઘસવાનું કામ કરતા હોય હું ભત્રીજાને લેવા સવારે 9 વાગ્યે ગયો હતો. જોકે દરવાજો 10 વાગ્યે ખુલશે તેવું કહેતા ત્યાં જ કલાક રાહ જોઈ હતી અને ભત્રીજાને લઈ આવી ભાઈના ઘરે મૂકી ગામડે ગયો હતો. જ્યાં મારા ભાભીએ ભત્રીજાને માર મરાયો હોવાનું કહ્યું હતું. જેને લઈ હું પરત આવ્યો હતો. ભત્રીજાને પૂછતાં તેણે હોસ્ટેલના રેક્ટર દ્વારા ન બતાવવાના વીડિયો પણ બતાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ સાથી વિદ્યાર્થી દ્વારા પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનું પણ કહેતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
બાળકનું નિવેદન લેવાયું
વિદ્યાર્થીને ઢોર માર મરાયો
ઉલ્લેખનીય છે કે, ધોરણ 8માં ભણતા આ વિદ્યાર્થીને ઢોર માર મરાયો હોવાનું તેના શરીર પરના નિશાનથી સ્પષ્ટ થાય છે. પરિવારે જાણ કરતા સ્થાનિક પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ભોગ બનનાર વિદ્યાર્થી તેમજ તેના પરિવાર પાસેથી વિગતો જાણીને સમગ્ર મામલે ફરિયાદ નોંધવતા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વિદ્યાર્થીને થયેલી ઇજાને લઈને સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. જોકે આ ઘટનાને લઈ પરિવારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
.