અમદાવાદ35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રને તેના પૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળીને શિક્ષક દિવસ નિમિત્તે ગૌરવભેર એક વિશિષ્ટ પહેલ શરૂ કરી છે. શિક્ષકો પ્રત્યે અભૂતપૂર્વ આદર અને લાગણીનો ભાવ વ્યક્ત કરતાં સ્કૂલના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ ઉદગમ સ્કૂલના શિક્ષકોને નિવૃત્તિ બાદ આવશ્યક હેલ્થકેર સપોર્ટ પૂરો પાડવાના સહિયારા વિઝન માટે એકજૂટ થયાં છે.
શિક્ષકોને હેલ્થકેરનો ખર્ચ ઉઠાવવામાં મૂશ્કેલી
ખાનગી સ્કૂલોમાં નિવૃત્ત શિક્ષકોને પેન્શન, મહેનતાણુ અથવા મેડિકલ લાભો માટે હકદાર ન હોવાથી તેમને ઘણીવાર પર્યાપ્ત હેલ્થકેરનો ખર્ચ ઉઠાવવામાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન 5 સપ્ટેમ્બર, 2023ના રોજ સ્કૂલ ટીચર્સ એન્ડ એમ્પલોઇઝ વેલફેર એસોસિયેશનું લોંચ કરશે. સ્કૂલ અને તેના સમર્પિત પૂર્વ વિદ્યાર્થીઓ સહિયારી રીતે આગામી ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. 5 કરોડનું નોંધપાત્ર ભંડોળ એકત્રિત કરશે.
મનન ચોક્સી, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર.
ફાળો આપવામાં પૂર્વ વિદ્યાર્થીઓની મુખ્ય ભૂમિકા
આ લોંચ પ્રસંગે સ્કૂલ અને પૂર્વ વિદ્યાર્થીઓએ લગભગ રૂ. 50 લાખનું દાન આપશે. આ ફંડ શિક્ષકોને તેમની નિવૃત્તિ બાદ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એન્ડ સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાંથી તેમના મેડિકલ ખર્ચની ભરપાઇ કરશે. આ કામગીરીમાં પૂર્વ વિદ્યાર્થીઓ ફાળો આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવશે ત્યારે સ્કૂલ સંચાલકો આ પહેલનો સપોર્ટ કરતાં વાર્ષિક યોગદાન આપશે.
મધ્યમવર્ગ માટે પબ્લિક હેલ્થકેર સિસ્ટમ નથીઃ મનન ચોક્સી
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, વર્ષોથી નિવૃત્તિની ઉંમર 58 વર્ષ નિર્ધારિત છે. જોકે, વ્યક્તિનું આયુષ્ય વધીને 70-75 વર્ષ થયું છે તથા મેડિકલ મોંઘવારીને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં સારવારનો ખર્ચ બમણો થઇ ગયો છે. તેનો મતલબ લોકોએ આવક વગર જીવિત રહેવાના વર્ષો વધુ રહેશે અને તેમના જીવનમાં મેડિકલ ખર્ચ સૌથી વધુ રહેશે. આપણી પાસે મધ્યમવર્ગ માટે પબ્લિક હેલ્થકેર સિસ્ટમ નથી, ત્યારે આપણે ખર્ચાળ ખાનગી હેલ્થકેર ઉપર આધાર રાખવો પડે છે.
નિવૃત્તિ બાદ ગૌરવપૂર્ણ જીવનનો તેમનો પૂરો અધિકાર
વધુમાં જણાવ્યું હતું કે, મારું માનવું છે કે, ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં દેશના ભવિષ્યનું ઘડતર કરવામાં યોગદાન આપનારા શિક્ષકો અથવા બીજા કોઇપણ વ્યક્તિઓ પાસે ભંડોળની અછત કારણ હોવું જોઇએ નહીં. જ્યારે શિક્ષકોએ સારા હેતુસર બેસ્ટ પ્રોફેશ્નલ અને વ્યક્તિઓના ઘડતરમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું હોય ત્યારે નિવૃત્તિ બાદ ગૌરવપૂર્ણ અને સ્વસ્થ જીવનનો તેમનો પૂરો અધિકાર છે.
3 વર્ષની સેવા આપનાર શિક્ષકોને લાભ મળશે
સ્કૂલ ટીચર્સ એન્ડ એમ્પલોઇઝ વેલફેર એસોસિયેશને ઘણી જોગવાઇઓની રૂપરેખા આપી છે. ઉદગમ સ્કૂલમાં લઘુત્તમ ત્રણ વર્ષની સેવા આપનાર શિક્ષકો અને કર્મચારીઓ તેનો લાભ મેળવી શકશે. વર્તમાન કર્મચારીઓ પેન્શન સ્કીમ હેઠળ કવરેજ ધરાવતા નથી ત્યારે જેમણે ત્રણથી છ વર્ષ વચ્ચે સર્વિસ પૂર્ણ કરી હોય, તેઓ રૂ. 5 લાખ સુધીનો મેડિકલ ખર્ચ મેળવવાને પાત્ર છે. 6થી 10 વર્ષની સર્વિસ કરનાર કર્મચારીઓ રૂ. 8 લાખ સુધીના મેડિકલ ખર્ચ મેળવવાને પાત્ર છે.
નિવૃત્તિ શિક્ષકો સહિત પૂર્વ કર્મચારીઓની સંખ્યા ખૂબજ વધુ
મહત્વપૂર્ણ છે કે, 10 વર્ષ કે તેથી વધુ સર્વિસ કરનાર શિક્ષકો અને કર્મચારીઓ રૂ. 15 લાખ સુધીના મેડિકલ ખર્ચ મેળવવા માટે પાત્ર રહેશે. હાલમાં, ઉદગમ સ્કૂલ 550થી વધુ શિક્ષકો અને નોન-ટિચિંગ કર્મચારીઓ સાથે સંકળાયેલી છે. નિવૃત્તિ શિક્ષકો સહિતના પૂર્વ કર્મચારીઓની સંખ્યા ખૂબજ વધુ છે. આ પહેલનો ઉદ્દેશ્ય ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. 5 કરોડનું ભંડોળ એકત્રિત કરવાનો છે તથા વ્યાજની આવકમાંથી તમામ ખર્ચને પૂર્ણ કરાશે.
.