પંચમહાલ (ગોધરા)26 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાલોલ તાલુકાના બલેટીયા ગામ પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઈ કોરીડોર હાઇવેના નિર્માણમાં સંયુક્ત ભાઈઓની માલીકીની સંપાદિત થયેલી જમીનના વળતર પેટે રૂ.1.93 કરોડ આવ્યા હતા. જે નાણામાંથી એક સગા ભાઈને ત્રીજા ભાગનો હિસ્સાના ન આપી બોગસ દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કર્યો હોવાની કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રહેતા ઠાકોરભાઈ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદની પ્રાપ્ત વિગતો અનુસાર તેઓના બે ભાઈઓ વિનોદભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ અને ભરતભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ એમ કુલ ત્રણ જણાના સંયુક્ત નામે કાલોલ તાલુકાના બલેટીયા ગામે નવા સર્વે નં 41, 41, 52, 53 ની જમીનો આવેલી છે. જે જમીનોમાં સરકારની મંજૂરી મેળવી ઈંટોના ભઠ્ઠા ચલાવવામાં આવતા હતા. જે પૈકી કેટલીક જમીનો ચારેક વર્ષ અગાઉ દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ હાઇવેમાં સંપાદિત કરવામાં આવી હતી. જેનો ગોધરા ખાતેમાં જમીન સંપાદન અધિકારી દ્વારા વળતર કેસ બનાવી સરકાર હેડે જમીનની મળવાપાત્ર કિંમત નક્કી કરી હુકમો કરવામાં આવ્યા હતા.
જે પૈકી રૂ.11,48,063 અને રૂ.1,82,43,931 એમ કુલ મળીને રૂ.1,93,91,994 મળવાપાત્ર રકમ થતી હતી. વળતરની રકમ મેળવવા માટે ત્રણેય ભાઈઓએ સંયુક્ત ખાતુ કોટક મહેન્દ્રા બેન્ક કાલોલમાં ખોલાવ્યું હતું. આસપાસના ખેડૂતોની જે જમીન સંપાદિત થઈ હતી તેઓને તેઓની જમીનના નાણાં મળી ગયા હતા. પરંતુ ફરીયાદી ઠાકોરભાઈને હજુ સુધી જમીનના નાણા મશ્યા ન હતા.
આથી તેઓએ ગોધરા જમીન સંપાદન કચેરીમાં તપાસ કરતા જાણવા મળેલુ કે, તેઓની જમીનના નાણા કોટક મહિન્દ્રા બેન્કમાં RTGSથી ચૂકવાઇ ગયા છે. તેઓની જમીન બાબતે તેઓનું સંમતિપત્ર અને નામો પણ જમીન સંપાદન કચેરી ગોધરા ખાતે રજૂ કરવામાં આવ્યા છે. જેની જાણ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને જમીન સંપાદન કચેરીમાંથી તેઓએ તમામ રજુ કરેલા દસ્તાવેજોની નકલો માંગી હતી.
જમીન સંપાદનના પૈસા ચૂકવવા કરેલા સંમતિપત્રક અને સોગંદનામુ એડવોકેટ નોટરી પી.એ.નાગર સમક્ષ તા.01/12/2020ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ફરીયાદી ઠાકોરભાઈનો ફોટો અસલી મૂકવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ પોતે સહી કરી ન હતી. સહી કોઈ અન્ય ઈસમ દ્વારા કરવામાં આવી હતી. તે જ પ્રમાણે એડવોકેટ નોટરી એસ.આર.પરમારની રૂબરૂ તા.24/09/2021ના રોજ કરવામાં આવેલા કુલમુખત્યારનામામાં પણ તેઓનો ફોટો અસલ લગાવવામાં આવ્યો હતો. પરંતુ સહી તેઓની પોતાની ન હતી.
તેઓ ક્યારેય સંમતિપત્ર અને કુલમુખત્યારનામામાં સહી કરવા માટે ગયા જ નથી. જેથી પોતાની સાથે ઠગાઈ કરવા માટે અને પોતાની ખોટી સહી કરી હોવાનું જણાતા સંયુક્ત માલિકીની જમીનના સરકારી મળવાપાત્ર વળતરના નાણા મેળવવા માટે, સરકાર સાથે તેમજ ફરીયાદી સાથે ઠગાઈ કરી ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા દસ્તાવેજો હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન સંપાદનની રકમના નાણા બંને ભાઈઓએ પોતાના સંયુક્ત એકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસઘાત કરાતા કાલોલ પોલીસમથકે આજથી પાંચેક મહિના પહેલા ઠાકોરભાઈએ લેખિત ફરીયાદ આપી હતી.
જે ફરિયાદમાં રાજકીય દબાણના આરોહ અવરોહ વચ્ચે કાલોલ પોલીસ દ્વારા રજૂ થયેલા દસ્તાવેજોની ક્રમશઃ તલસ્પર્શી તપાસ કરી ગુનો બનતો હોવાનું તારણ કાઢી બુધવારના રોજ છેતરપિંડી વિશ્વાસઘાત અને બોગસ દસ્તાવેજો બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની ફરિયાદ વિનોદભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ તથા ભરતભાઈ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટ બંને સામે ગુનો દાખલ કરી બુધવારે તેઓની ધરપકડ કરાતા સમગ્ર કાલોલ સહિત પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
.