રાજકોટ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
કલેકટર પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ(જાસ) અને ડિસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઇઝેશન(DTFI)ની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જિલ્લામાં થઇ રહેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં તાલુકાવાઇઝ પ્રસુતી, રસીકરણ, જન્મ સમયનો સેકસ રેશિયો, મેટરનલ ડેથ, ઇન્ફન્ટ ડેથ, બાળક- માતાના ન્યુટ્રિશ્યન, પી.સી. પી.એન.ડી.ટી, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, શરદી-ઉધરસ, ઝાડા- ઉલ્ટીના કેસો, આભા કાર્ડ, ઓ.પી.ડી, સ્ક્રિનીંગ, સારવાર, કોવિડના કેસો, રાષ્ટ્રીય ટી.બી. રસીકરણ પ્રોગ્રામ, એઇડસ વગેરે વિશેની સમીક્ષા કરી કલેકટરે તબીબી અધિકારીઓને મહત્વની સૂચનાઓ આપી હતી.
મનપામાં એપ્રેન્ટીસની કુલ 738 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
રાજકોટ મહાપાલિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રેન્ટીસની 738 જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ITI પાસ ઉમેદવારોને સરકારી કચેરીમાં કામ કરવાનો અનુભવ મળે તે માટે આ જાહેરાત આપવામાં આવી છે. મહાપાલિકાની મહેકમ શાખા દ્વારા એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી શરૂ કરાઇ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલી 738 જગ્યા ઉપર કામ કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામં આવી છે. તા.23-8 થી તા.10-9 સુધી www.mc.govin પર આ અરજીઓ કરી શકાશે. આ માટે જે તે ટ્રેડમાં સરકાર માન્ય ITIમાંથી કોર્ષ પાસ કરેલો હોવો અનિવાર્ય છે. 11 મહિના માટે થનારી આ નિમણુંકમાં ઉમેદવારને નિયત સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.
રૂડાની આવાસ યોજનામાં હપ્તા નહીં ભરતા 43 ફલેટની ફાળવણી રદ્દ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા તૈયાર કરવામાં આવેલી આવાસ યોજનામાં બાકી હપ્તા નહીં ભરતા 43 આસામીઓના ફલેટની ફાળવણી રદ્દ કરી નાંખવામાં આવી છે. રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઇડબલ્યુએસ-1 પ્રકારના ફલેટ ટીપી સ્કીમ નં. 17, એફપી નં.73માં બનાવવામાં આવ્યા છે. કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ સાંસ્કૃતિક પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ પરિશ્રમ હાઉસીંગ કો.ઓપ. સર્વિસ સોસાયટીમાં ફલેટની યોજનાનાં 43 ફલેટ ધારકો રૂડામાં આવાસના હપ્તા આજ સુધી ભરતા નથી. આથી આવા આવાસ ધારકોને અવારનવાર જાણ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી રકમ ભરી નથી. જેને લઈને રૂડાના ઇન્ચાર્જ ચેરમેન અને મ્યુ. કમિશ્નર આનંદ પટેલની સુચનાથી મુખ્ય કારોબારી અધિકારીએ 43 ફલેટની ફાળવણી રદ કરી નાખી છે. આ અંગે કોઇને વાંધા હોય તો 7 દિવસમાં રૂડાનો સંપર્ક કરવાનો રહેશે.
કલેકટરનાં બોર્ડમાં અપીલનાં 66 કેસોની સુનાવણી કરાઈ
રાજકોટ કલેકટર કચેરીમાં આજે અપીલનાં કેસોનું ખાસ બોર્ડ કલેકટર પ્રભવ જોષી દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં 66 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સવારના સેશનમાં 33 અને ત્યારબાદ બપોરનાં સેશનમાં 33 કેસની સુનાવણી કરવામાં આવેલ હતી. જેમાં ખાસ કરીને જમીન પર દબાણ શેઢા તકરાર સહિતના કેસોની સુનાવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર તરીકે પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ કલેકટર કચેરીમાં મહેસૂલી અપીલનાં ભરાવો થયેલા કેસોના નિકાલ માટે બે સેશનમાં આ અપીલનું બોર્ડ યોજવામાં આવી રહ્યું છે કે, જેમાં આજના આ બોર્ડમાં 66 કેસોની સુનાવણી કરવામાં આવી હતી.
.