સાબરકાંઠા (હિંમતનગર)37 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાએ કરેલા મારણ ઉપરાંત દીપડો આવ્યાની વાતને લઈને વન વિભાગ ખડેપગે રાત-દિવસ રેસ્ક્યૂ ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી ફરજ બજાવતું હતું. જ્યાં નિશાન મળે કે ગ્રામજનો માંગણી કરે ત્યાં પાંજરું મુકવામાં આવતું હતું. ત્યારે હિંમતનગરના દેસાસણ-મનોરપુર ગામની સીમમાં સાત દિવસ પહેલા પાંજરું મુક્યું હતું. જ્યાં મંગળવારે સવારે દીપડો પાંજરે પુરાયો હતો. જેને લઈને આસપાસના ગ્રામજનોના ટોળેટોળા દીપડાને જોવા દોડી આવ્યા હતા. વન વિભાગને જાણ થવાને લઈને સ્થળ પર પહોંચી પાંજરાને ઢાંકીને વાહનમાં સુરક્ષિત દીપડાને લઇ જવાયો હતો.
હિંમતનગર તાલુકાના રૂપાલ, હાથરોલ, સઢા, વામોજ, માકડી, બાખોર સહિતના વિસ્તારમાં દીપડો છેલ્લા બે વર્ષથી રાત્રિ દરમિયાન પશુઓના મારણ કરતો હતો. તેને લઈને વન વિભાગ દ્વારા માંગણી મુજબ અને દીપડાના મળેલા ચિન્હોને લઈને મારણ સાથે પાંજરું મુકવામાં આવતું હતું, પરંતુ દીપડો પાજરે પુરાયો ન હતો. બીજી તરફ વામોજમાં દીપડાએ મારણ કર્યા બાદ રાત-દિવસ ફરજ બજાવતી વન વિભાગની ટીમ રેસ્ક્યૂ ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી. સાથે ગ્રામજનોની માગ મુજબ અને દીપડાની હાજરીના પુરાવા બાદ વામોજમાં પાંજરું મુક્યું હતું, પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો.
ત્યાર બાદ દીપડો વામોજથી બીજી તરફ ગયો હોવાની જાણકારી બાદ સાત દિવસ પહેલા મનોરપુર અને દેસાસણ વચ્ચેની કોતરોમાં મરણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. જ્યાં મંગળવારે સવારે દીપડાની ત્રાડ સંભળાઈ હતી. ત્યાર બાદ આજુબાજુના ગ્રામજનોના પાંજરાની ફરતે ટોળે વળ્યા હતા અને પાંજરે પુરાયેલા દીપડાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. દીપડાની ત્રાડો પણ કેદ કરી હતી. દીપડો પાંજરે પુરાયા બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરતા વન વિભાગ ટીમ સાથે સ્થળ પર આવી પહોંચીને પાંજરાને ઢાકી દીધા બાદ જીપ ડાલામાં પાંજરું સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યું હતું. જ્યાં વેટરનરી તબીબ દ્વારા તપાસ કર્યા બાદ સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવશે.
હિંમતનગરના ચાંદનગર વિસ્તારમાં દીપડો આવ્યાની વાતને લઈને વન વિભાગે ત્રણ દિવસ પાંજરું અને કેમરા પણ મુક્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી આખરે પાંજરું હટાવી લીધું હતું. બીજી તરફ થોડા દિવસ બાદ ફરીવાર હાથમતી નદી કિનારે પરબડામાં સ્મશાન પાસે દીપડાની બૂમ આવી હતી. જેને લઈને પાંચ દિવસ પાંજરું મુક્યું હતું સાથે રાત્રે રેસ્ક્યૂ ટીમ સાથે વન વિભાગની ટીમે નદીમાં ત્રણ ત્રણ કિમી ફૂટ પેટ્રોલિંગ કરી સઘન તપાસ કરી હતી, પરંતુ કોઈ નિશાન કે ભાળ મળી ન હતી કે કોઈ સફળતા ના મળતા પાંચ દિવસ બાદ પાંજરું હટાવી લીધું હતું.
આ અંગે રાયગઢ વન વિભાગના RFO અને તેમની ટીમ દ્વારા છેલ્લા કેટલાય સમયથી ફૂટ પેટ્રોલિંગ અને વારંવાર માગણી અને પુરાવા મુજબ પાંજરા મુક્યા બાદ સફળતા મળી છે અને દીપડો પાંજરે પુરાયો છે. તો આ અંગે RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે, દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતા ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારે આજુબાજુના ગ્રામજનોના દીપડાને જોવા માટે ટોળેટોળા વળ્યા હતા. ત્યાર બાદ દીપડાના પાંજરાને ઢાંકીને વાહનમાં મુકીને હિંમતનગરમાં ધાંણધા વન વિભાગ ખાતે લઇ જવામાં આવ્યું હતું. જ્યાં વેટરનરી તબીબ દ્વારા તપાસ કારવામાં આવી હતી. અંદાજીત સાડા ત્રણ વર્ષનો દીપડો છે. જેને કોઈ ઇજાઓ થઈ નથી. વન વિભાગ દ્વારા સુરક્ષિત જંગલમાં છોડી મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
.