વડોદરા43 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના ગોત્રી વિસ્તારમાં દાળવડાની દુકાનમાં ગેસની બોટલ લિકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ગેસની આ બોટલ રોડ ફેંકી દઇને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નહોતી.
લોકોના ટોળા એકત્ર થઈ ગયા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં અંબિકાનગર પાસે અંબે દાળવડા હાઉસ આવેલું છે. દાળવડાની આ દુકાનમાં આજે સવારે અચાનક જ આગ ફાટી નિકળી હતી. જેને પગલે દુકાનમાં અફરાતફરી મચી ગઈ હતી અને દુકાન માલિકે ગેસની સળગતી બોટલ જાહેરમાં રોડ પર ફેંકી દીધી હતી. ગેસની સળગતી બોટલ જોઇને આસપાસમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી.
લોકોમાં ભયનો માહોલ ફેલાયો
વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં જ લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગેસની બોટલમાં લાગેલી આગ પર કાબૂ મળવ્યો હતો. જો કે, રોડ પર સળગતી ગેસની બોટલ જોઇને આસપાસના રહીશો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
દુકાનમાં કોમર્શિયલને બદલે ઘરેલુ ગેસની બોટલ
વડોદરા શહેરમાં દુકાનોમાં કોમર્શિયલને બદલે ઘરેલુ ગેસની બોટલોનો ગેરકાયદે ઉપયોગ થાય છે. ગોત્રીના અંબે દાલવડા હાઉસમાં પણ ઘરેલુ ગેસની બોટલો મળી આવી હતી અને ઘરેલુ ગેસની બોટલમાં જ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
દુકાનોમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નહીં
એક તો ગેરકાયદે ઘરેલુ ગેસની બોટલોનો ઉપયોગ થાય છે અને આ દુકાનોમાં ફાયર સેફ્ટીની પણ કોઇ સુવિધાઓ પણ હોતી નથી. જેથી મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી.
.