A cow attacked a woman in Naroda area of Ahmedabad | અમદાવાદમાં ગાયએ મહિલાને 20 સેકન્ડ રગદોળી, થોડીવારમાં તો ઢોરનું ટોળું ઊમટ્યું, બચાવવા આવેલા લોકોને પણ ઢીંકે ચડાવ્યા

Spread the love

અમદાવાદ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજ્યનું સૌથી મોટું અને સૌથી વધારે વસ્તી ધરાવતાં અમદાવાદ શહેરમાં હવે માનવ વસ્તીની સાથે સાથે રખડતા ઢોરની પણ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈપણ રસ્તા ઉપર ઢોર જોવા મળે છે. રસ્તે ચાલતા લોકોને પણ હવે રખડતા ઢોરથી બચવું પડે છે. શહેરના નરોડા વિસ્તારમાં એક મહિલા ચાલતી પસાર થતી હતી ત્યારે રસ્તા ઉપર ઉભેલી ગાયે અચાનક હુમલો કર્યો હતો. ગાયથી બચવા માટે મહિલા ભાગી હતી. જેની પાછળ ગાય પણ દોડી હતી. મહિલા નીચે પડી જતાં તેને ગાયે શિંગડા માર્યા હતા. સ્થાનિક લોકોએ મહિલાને ગાયના હુમલામાંથી બચાવી હતી. ગાયના હુમલાથી શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

ગાયનો મહિલા ઉપર હુમલો
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં નવરંગ ફ્લેટ પાસેથી વર્ષાબેન પંચાલ નામની મહિલા સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાનમાં રોડ ઉપર ગાયોનું ટોળું ઉભું હતું. અચાનક જ એક ગાય તેમને જોઈને તેમના પાછળ પડી હતી. વર્ષાબેન દોડવા ગયા તે દરમિયાનમાં તેઓ નીચે પડી ગયા હતા અને ગાય તેમની ઉપર હુમલો કરી દીધો હતો. 30 સેકન્ડ સુધી મહિલા પર હુમલો કરી તેમને ઇજાઓ પહોંચાડી હતી. ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી. ત્યારબાદ મહિલાને શરીરના ભાગે ઇજાઓ થતા 108 બોલાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાને પાંસળીઓના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે અને 15 દિવસ સુધી ICUમાં રાખવા પડે તેવી પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.

ઢોર પોલિસીનો અમલીકરણ હજુ સુધી કરાયો નથી
રખડતા પશુઓને લઈ નિયંત્રણ માટે ઢોર પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જો કે, ઢોર નિયંત્રણ પોલિસીનો અમલીકરણ હજી સુધી કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં તમામ વિસ્તારોમાં રોડ ઉપર ઢોર રખડતા જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આખા દિવસમાં શહેરમાંથી રોજના 50થી પણ ઓછા ઢોર પકડવામાં આવતા સીએનસીડી વિભાગની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ઢોર નિયંત્રણ પોલિસી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર માલિકો અને સમજણ પણ આપવામાં આવી રહી છે છતાં પણ રોજના અનેક ઢોર રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે.

લાખો નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે
શહેરના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ ઉપર દરરોજ સાંજે 15થી વધુ ગાયો રખડતી જોવા મળે છે. ઢોર ત્રાસ અંકુશ વિભાગની પશ્ચિમ ઝોનની ટીમ સાંજના સમયે ત્યાં જોવા મળતી નથી. રખડતા પશુઓ રોડ ઉપર આવી જાય છે અને વચ્ચે બેસી જાય છે જેના કારણે અકસ્માતનો ભોગ બને છે. ભાજપના સત્તા દિવસો દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલીસીને મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે આજે લાખો નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

AMC દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું
મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રખડતા ઢોર નિયંત્રણ પોલિસી 2023 અંતર્ગત વ્યાવસાયિક અથવા વ્યક્તિગત પશુ રાખવા માટે થઈને પરમિટ-લાયસન્સ લેવું ફરજિયાત છે. પોતાની માલિકીની જગ્યામાં જ ઢોર રાખી શકાશે. RFID રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સમગ્ર બાબતો અંગે તેઓને સમજણ આપવામાં આવી રહી છે. ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી રહી છે. જેમાં સેન્ટરો ઉપર ઢોર માલિકો દ્વારા રજીસ્ટ્રેશનથી લઈને લાયસન્સ-પરમિટ મેળવવા માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસી જાહેર કરવામાં આવી છે તેમ છતાં પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસીની જાહેરાત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ ત્રાસ અંકુશ વિભાગ (CNCD)ની કામગીરી સાવ નબળી પડી ગઈ છે. રોજના 50થી પણ ઓછા ઢોર શહેરમાંથી પકડવામાં આવી રહ્યા છે. શહેરના એકપણ એવો વિસ્તાર નથી બીજા દિવસ પર ઢોર રોડ ઉપર દેખાતા ન હોય રોડની વચ્ચે જ ઢોર પડતા હોય છે તેમ છતાં પણ સીએનસીડી વિભાગની ટીમ આવા ઢોર પકડવામાં નબળી સાબિત થઈ છે. જુલાઈ મહિનામાં માત્ર પાંચ દિવસ જ 50થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે. બાકીના દિવસોમાં 50થી ઓછા જ ઢોર પકડાયા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *