નડિયાદ7 કલાક પેહલા
- કૉપી લિંક
ખેડા જિલ્લાના કપડવંજમાંથી પકડાયેલા એક ભેજાબાજ પાસેથી કેટલીક વીમા પોલિસીઓ, એટીએમ કાર્ડ, આધાર કાર્ડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ વ્યક્તિએ બીમાર લોકોના વીમા ઉતારી પોલિસી પકવતો હોવાનું બહાર આવ્યું છે.
ખેડા એસ.ઓ.જી પોલીસે ગઈકાલે સાંજના બાતમી મળી હતી કે, કપડવંજ નગરમાં સોનીની વાડી પાસે આવેલ બારોટ વાડામાં રહેતા ભેજાબાજ જયદીપ રંગીલ સોનીએ પોતાના મળતીયા માણસો સાથે ભેગો મળી ખેડા જીલ્લા તેમજ આસપાસના જીલ્લાના એવા માણસોની માહીતી મેળવે છે કે જે બિમાર અને અસ્વસ્થ હાલતમાં હોય તેવા અને માણસોને અને તેના કુટુંબીજનોને મળી તેઓને તે બિમાર વ્યક્તિનો વિમો કરાવી વિમાના પૈસા આપવાની લોભ લાલચ અને પ્રલોભનો આપી ભોળવી બિમાર વ્યક્તિના નામે વિમા કંપનીમાંથી બિમાર વ્યક્તિની બિમારી છુપાવી પોલીસી લેવડાવે છે. અને તે પોલીસીનું પ્રિમીયમ પોતે ભરે છે અને પોલીસી ધારક તેમજ તેના વારસદાર પાસેથી બેન્કની પાસબુક, આધારકાર્ડ, પાનકાર્ડ, ચેકબુક, એટીએમ કાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ લઇ પોતાની પાસે રાખી લે છે. ત્યારબાદ પોલીસી ધારક મરણ જાય એટલે તેની પોલીસી કલેઇમ કરી તેના વારસદારના ખાતામાં પોલીસીના નાણાં જમા થાય ત્યારે તે નાણાં પોતે ઉપાડી લેવડાવી તેમાંથી અમુક રકમ મરણ જનારના વારસદારને આપી બીજા નાણા પોતે મેળવી લે છે, તેમજ અમુક કિસ્સાઓમાં બિમાર વ્યક્તિઓના આધારકાર્ડ પાનકાર્ડમાં છેડછાડ કરી ફોટા ચેન્જ કરી પોતે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી વિમા પોલીસી મેળવવા તેનો ખરા તરીકે ઉપયોગ કરતો હોવાનો ગોરખ ધંધો શરૂ કર્યો છે.
જેના પગલે ખેડા એસ.ઓ જી પી.આઈ ચુડાસમા પીએસઆઇ જે.વી.વાઢીયા તેમજ એસ.જી ઓ પોલીસ ટીમે સાજ ના સમયે તુરંત કપડવંજ ખાતે ઘસી જઈ ભેજાબાજ જયદીપ સોની ના ઘેર છાપો માર્યો હતો અને પોલીસ ટીમે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ભેજા બાજ પાસેથી વિવિધ નામના 120 એટીએમ કાર્ડ 126 પાસબુક 21 ચેકબુક વિવિધ નામના 56 ચૂંટણી કાર્ડ 17 વ્યક્તિના જન્મ મરણના દાખલા 17 જેટલી અલગ-અલગ વીમા કંપનીની પોલીસી તેમજ પાનકાર્ડ ઝડપી પાડ્યા હતા. બાદ પોલીસે આ તમામ દસ્તાવેજ તેમજ ભેજા બાજ જયદીપ સોની પાસેથી 13 મોબાઈલ અને એક લેપટોપ પણ કબજે કરી પોલીસે ઘેર ઉપસ્થિત ભેજા બાજ જયદીપ રંગીલ સોનીની અટકાયત કરી હતી.
દરમિયાન ખેડા એસ.ઓ.જી પોલીસે આ મામલે કપડવંજ શહેર પોલીસ મથકે ભેજા બાજ જયદીપ સોની વિરુદ્ધ છેતરપિંડી તેમજ ખોટા દસ્તાવેજ બનાવવા સહિતનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિની વધુ તપાસમાં ઘણા રહસ્ય ખૂલે તેવી શક્યતાઓ સિવાય રહી છે અત્યાર સુધી તેને આવા કારસ્તાન કરીને કેટલી વીમા પોલિસી પકવી ? તેની પણ પોલીસ તપાસ હાથ ધરેલી છે.