જામનગર21 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના દેવામાં ડૂબેલા એક ખેડૂતને માલામાલ કરી દેવાની લાલચ આપી પાંચ શખ્સોએ 10 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અનવરબાપુ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. છે. આરોપીઓએ એક ડોલમાંથી પૈસા બનાવતા હોવાનો ડેમો બતાવી ખેડૂતને ફસાવી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા.અમદાવાદ અને જૂનાગઢના શખ્સો સામે જામજોધપુરના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે એક શખ્સની 1.70 લાખ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોટ બનાવવાનો ડેમો બનાવી ખેડૂતને ફસાવ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા જીતેન્દ્ર કથીરિયા નામના ખેડૂતે પોતાની આર્થિક સ્થિતિ બાબતે તેમના એક મિત્રને વાત કરી હતી. જેથી તેમના મિત્રએ કહ્યું હતું કે, જૂનાગઢમાં મારા એક ઓળખીતા છે જેમને ત્યાં એક બાપુ આવવાના છે તે બધી સમસ્યાઓ દૂર કરે છે. આ વાત સાંભળી જીતેન્દ્રભાઈ અને તેમના મિત્ર જૂનાગઢ તાંત્રિકને મળવા ગયા હતા. જ્યાં જીતેન્દ્રભાઈ અને તેમના મિત્રની મુલાકાત કેશુભાઈ અને અનવરબાપુ નામના શખ્સ સાથે થઈ હતી. જે તે સમયે અનવરબાપુએ એક ડોલમાંથી 20-20 રૂપિયાની નોટ અને ત્યારબાદ 500-500 રૂપિયાની નોટ બનાવી દેખાડી હતી. અનવરબાપુએ જીતેન્દ્રભાઈને 20-20 રૂપિયાની પાંચ નોટ પ્રસાદી રૂપે પણ આપી હતી અને કહ્યું હતું કે, જો તમારે 11 લાખ રૂપિયાની વિધિમાં 2 કરોડ રૂપિયા બનાવવા હોય તો હું ચપટીમાં બનાવી આપીશ.
રૂપિયા બનાવવાનો ડેમો જોઈ ખેડૂતને વિશ્વાસ બેઠો અને ફસાયા
જૂનાગઢમાં અનવરબાપુએ બતાવેલો ડેમો જોઈ જીતેન્દ્રભાઈને વિશ્વાસ બેસતા તાંત્રિક વિધિ કરવા માટે તૈયારી બતાવી હતી. જામનગરમાં રહેતા જીતેન્દ્રભાઈના પુત્રના ઘરે આ ચારેય શખ્સોએ બેઠક કરી તાંત્રિક વિધિ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બે ત્રણ દિવસ પછી અનવરબાપુ સહિત ચાર લોકો જામનગર આવ્યા હતા અને પુત્રના ઘરના ઉપરના રૂમમાં વિધિ કરી હતી. આ સમયે અનવરબાપુએ કહ્યું હતું કે, તમારા ખેતરમાં એક સોનાના ઘડો છુપાયેલો છે જે શોધવા માટે પણ વિધિ કરવી પડશે તેમની સાથે તમને બે કરોડ રૂપિયા પણ મળી જશે. આ રીતની લાલચ આપી આરોપીઓએ રૂમમાં વિધિ કરી રૂમ બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે, આ વિધિ પૂર્ણ થતા 10 દિવસ લાગશે ત્યાં સુધી આ રૂમ કોઈએ ખોલવાનો નથી.
સોનાનો ઘડો શોધવા ખેતરમાં પહોંચ્યા
જામનગરમાં વિધિ પૂર્ણ કર્યા બાદ આરોપીઓ ભોગ બનનારને પોતાના ગામ કલ્યાણપુર લઈ ગયા હતા. જ્યાં સોનાનો ઘડો શોધવાની વિધિ કરવાનું કહ્યું હતું. આરોપીઓએ ભોગ બનનાર પાસે એક સ્ટીલનો ઘડો અને કપડું મંગાવ્યું હતું. ત્યારબાદ એક ખાડો ખોદી તેમાં ઘડો મૂક્યો હતો અને વિધિ કરી હતી. ત્યારબાદ ઘડો પરત લઈ જીતેન્દ્રભાઈને આપી દીધો હતો. જીતેન્દ્રભાઈએ કહ્યું તું કે, આ કપડું ખોલવાનું નથી. જો ખોલસો તો ઘડામાં રહેલું સોનું માટી બની જશે. આમ કહેતા જીતેન્દ્રભાઈએ આ ઘડો તેમના ઘર પર રાખી દીધો હતો.
‘તાંત્રિક વિધિના પૈસા આપશો તો જ તમારું કામ આગળ વધશે’
અનવરબાપુ સહિતના શખ્સોએ ભોગ બનનારને કહ્યું હતું કે, તમારી તાંત્રિક વિધિ થઈ ગઈ છે. પરંતુ, તમે પૈસા આપશો પછી જ તમારું કામ આગળ વધશે. જો તમે પૈસા નહીં આપો તો તમારા પરિવારનું ધનોત પનોત નીકળી જશે. જેથી ભોગ બનનાર દ્વારા આંગડિયા કરી આરોપીઓને 10 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.
પૈસા મળ્યા બાદ આરોપીઓએ કહ્યું- કામમાં વિધ્ન આવ્યું છે
ભોગ બનનાર ખેડૂતે 10 લાખ રૂપિયાની ચૂકવણી કર્યા બાદ અનવરબાપુને ફોન કર્યો હતો. જેથી અનવરબાપુએ કહેલ કે, તમારા કામમાં વિધ્ન આવ્યું છે. ત્યરાબાદ ભોગ બનનાર ખેડૂત દ્વારા ફોન ચાલુ રખાતા આરોપીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. અંતે ખેડૂતને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા સમગ્ર મામલે અનવરબાપુ સહિત પાંચ શખ્સો સામે જામનગરના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ મામલે પોલીસે અનવરબાપુ નામના શખ્સની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પકડવાના બાકી છે તે ચાર આરોપીઓના નામ
સાજીદભાઈ ચાંનીયા
પપ્પુભાઈ મુસ્લિમ
કેશુભાઈ
બરકતભાઈ