છોટા ઉદેપુર40 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિહોદ ભારજના પુલનો એક પિલર બેસી જવાની ઘટનાને લઈને એક મહિના કરતાં વધુ સમયથી પુલ બંધ કરાયા બાદ ડાયવર્ઝન માટે તંત્રએ જગ્યા શોધવાની કામગીરી શરૂ કરી છે.

છોટા ઉદેપુર જિલ્લાની ધોરીનસ સમાન નેશનલ હાઇવે 56 ઉપર શિહોદ ખાતેનો ભારજ નદી પરના પુલનો એક પિલર 22 સે.મી બેસી જવાની ઘટના સામે આવી હતી. જેને લઇને તંત્રએ તાત્કાલિક પુલ પર અવરજવર બંધ કરી દીધી હતી. આ પુલ પર અવરજવર બંધ કર્યાને 37 દિવસનો સમય પૂરા થઈ ગયો ત્યાં સુધી તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવાનો વિચાર સુધ્ધા આવ્યો ન હતો. પરંતુ આ પુલનું ત્રણ દિવસથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેમાં નિરાશા મળતી જણાતા પુલ લાંબા સમય સુધી બંધ રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ ઉપરાંત જિલ્લાના ત્રણેય ધારાસભ્યો દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આ પુલ બાબતે મુલાકાત કરી વહેલી તકે નિર્ણય લેવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજીબાજુ છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પોતે પણ સિવિલ એન્જિનિયર હોઇ જાત નિરીક્ષણ માટે ભારજ નદીના પુલ પર ગયા હતા અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ડાયવર્ઝન બનાવવા માટે યોગ્ય સ્થળ જોવા ગયા હતા. આખરે નેશનલ હાઇવેના પુલ અને રેલવેના પુલની વચ્ચે શિહોદ ગ્રામ પંચાયત ઓફિસની બાજુની જગ્યા ઉપર પસંદગી ઉતારી અને ઓલવેધર ડાયવર્ઝન બનાવવા માટેની જગ્યા યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કર્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. નેશનલ હાઈવેના તંત્રને મોડે મોડે જ્ઞાન લાધ્યું હોય તેમ 37 દિવસ બાદ પુલ લાંબા સમય માટે બંધ રહેશે તેવું લાગતા ડાયવર્ઝન બનાવવા માટેની તૈયારી કરાતા જનતામાં ખુશી જોવા મળી રહી છે.

છોટા ઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો રાજેન્દ્ર રાઠવા, અભેસિંહ તડવી અને જયંતિ રાઠવાએ ગાંધીનગર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને પુલ વહેલી તકે ચાલુ કરવાની રજૂઆત કરી હતી. હવે ત્રણે ધારાસભ્યો અને સાંસદ ગીતાબેન રાઠવા સહિત ચાર જણ ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વહેલી તકે ભારજ નદીના પુલનું કામ ચાલુ કરવાની રજૂઆત કરનાર હોવાનું રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું.
.