- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- A 35 year old Woman Swallowed Medicine In Junidhari Village, A Middle aged Man Who Was Hit By An Unknown Vehicle Died During Treatment, Four Were Caught Gambling In Suliyat Village.
પંચમહાલ (ગોધરા)25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા તાલુકાના જુનિધરી ગામે પરિણીતાએ કપાસમાં નાખવાની દવા ગટગટાવી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ઇમરાન ઇબ્રાહિમ પઠાણે કાંકણપુર પોલીસમથકે જાણવાજોગ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગોધરા તાલુકાના જૂનીધરી ગામે આવેલા દરવાજા ફળિયામાં રહેતા 35 વર્ષીય પરિણીતા વાસંતી પંકજભાઈ માછીએ ગત 11 તારીખે સાંજના અરસામાં પોતાના ઘરે જ અગમ્ય કારણોસર કપાસમાં નાંખવાની દવા ગટગટાવી લીધી હતી, જે બાદ તેઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અભરામ પટેલના મુવાડા નજીક અજાણ્યા વાહનની અડફેટે ઘવાયેલા આધેડનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના અભરામ પટેલના મુવાડા ગામે આવેલા સોનેરી ફળિયામાં રહેતા 50 વર્ષીય રંગીત શંકરભાઈ નાયક ગત 5 તારીખે સાંજના અરસામાં પોતાની સાયકલ લઇને મજૂરીકામથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતાં. જે અરસામાં અભરામ પટેલના મુવાડા નજીક સોનેરી ફળિયાના નાકે પૂરઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહનચાલકે રંગિતભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રંગિતભાઈ રોડ પર ફેંકાઈ જતા માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં તેઓના પરિવારજનો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા, બીજી તરફ તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને કારણે સારવાર દરમ્યાન આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટના મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવા પામી છે.
મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા પ્રાપ્ત વિગતો અનુસાર મોરવા હડફ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામે આવેલા હનુમાન ફળિયામાં કેટલાક ઈસમો ભેગા મળીને લાઈટના અજવાળે જુગાર રમી રહ્યા છે, જે ચોક્કસ બાતમીના આધારે ગત 12 તારીખે મોરવા હડફ પોલીસે છાપો માર્યો હતો. જેમાં સ્થળ પરથી પોલીસે જુગાર રમતા ચાર ઇસમને કોર્ડન કરીને ઝડપી પાડયા હતાં. પકડાયેલા ઇસમોને તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ દિનેશ ગણપતભાઇ બારીયા, મહેન્દ્ર કરશનભાઈ બારીયા, કિરણભાઈ ભગુભાઈ ડાંગી અને કલ્પેશકુમાર નરવતસિંહ ઝાલૈયા જણાવ્યા હતા. પકડાયેલા ઇસમોની અંગજડતી કરતા રૂ. 2870 અને દાવ પરના 610 મળીને કુલ રૂ. 3480 રોકડ મળી આવી હતી. તમામ ઇસમોની અટકાયત કરીને મોરવા હડફ પોલીસ મથકે જુગારધારા કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.