પોરબંદર28 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર ખાતે વન મહોત્સવની ઉજવણી
ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની થીમ સાથે 74માં વન મહોત્સવની ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ પોરબંદરની સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે વૃક્ષોનું વાવેતર અને તેનું જતન ખૂબ જરૂરી છે.ભવિષ્યમાં આપણે જીવવું હોય તો વૃક્ષો વાવવા પડશે. તળાવનો કિનારો હોય, ગામનું પાદર હોય કે ઘરનું આંગણું હોય વૃક્ષોથી લહેરાતું રહે તે માટે આપણે સૌએ સાથે મળીને વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન સાત વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષો વગરનું જીવન શક્ય નથી. ડીસીએફ બી.એમ.પટેલે વન મહોત્સવ કાર્યક્રમ, વન નીતિ વિશે વાત કરી 1360 એકરમાં જંગલ તૈયાર કરનાર પદ્મશ્રીથી સન્માનિત આસામના પર્યાવરણ પ્રેમી જાદવ પોયાંગનો કિસ્સો કહી સૌ નાગરિકોને વૃક્ષો વાવવા પ્રેરિત કર્યા હતા. RFO અરુણ સરવૈયાએ શાબ્દિક સ્વાગતમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની પ્રાથમિક ભૂમિકા આપી પોરબંદર જિલ્લાના બે અભયારણ્યમાં વસવાટ કરતા પ્રાણીઓ, પક્ષીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમના અંતે મહેમાનોએ વૃક્ષારોપણ કર્યું હતુ તથા વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના કર્મચારીઓને પણ પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરાયા હતા. આવડા ઓડેદરા, ભુરા કેશવાલા,પ્રતાપ કેશવાલા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાણા ઓડેદરા, વન વિભાગ સ્ટાફ, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, પર્યાવરણ પ્રેમીઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ભીમ સુંડાવાદરાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે વન વિભાગ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નાગરિકોને વૃક્ષોના રોપા વિતરણ કરાયા હતા.
મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નારી સશક્તિકરણ દિશામાં સતત કાર્ય કરી રહી છે. રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક,માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામા આવ્યા છે. સર્વાગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ 2023 દરમિયાન નારીવંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અન્વયે પોરબંદરના જિલ્લા પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને લગતી સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલા નેતૃત્વ વિષય પર સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લામાં શિક્ષણ, રમતગમત, કલા ક્ષેત્રે સિધ્ધિ મેળવેલ મહિલાઓ તથા વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.