અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદના થલતેજમાં સોસાયટીમાં પાલતુ શ્વાનને રાખવા બાબતે આર્મીના નિવૃત્ત જવાન પર હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર બનાવવામાં આર્મી જવાનને સાત લોકોએ ભેગા મળીને ધમકી આપ્યા બાદ માર મારવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થલતેજના મણીભદ્ર એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય ભુપતભાઈ ચૌહાણ આર્મીમાંથી વર્ષ 2019માંથી નિવૃત થયા હતા. તેમના ઘરે એક પાલતુ શ્વાન છે. ગત 22 તારીખે રાત્રીના સમયે ભુપતભાઈ પાલતુ શ્વાનને લઈને સોસાયટીના ગેટ પાસે બીજા શ્વાનોને રોટલી ખવડાવવા ગયા હતા. તે સમયે પાલતુ શ્વાનને જોઈને સોસાયટીના છોકરાઓ બુમો પાડીને દોડવા લાગ્યા હતા.
જેના કારણે સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ડોબરીયા, ઉમેષ ભાવસાર, કેતન ઠક્કર, પિન્કી ઠક્કર, હિમાંશુ પટેલ, તુષાર ભાવસાર અને ચેતન શેઠ ભેગા થઈ ગયા હતા. બાદમાં આ તમામે સોસાયટીમાં તમારા શ્વાનને છુટ્ટો કેમ રાખો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો. ભુપતભાઈએ તેમને શાંત રહેવાનું કહેતા આ તમામ ઉશ્કેરાઈ ગયા હતા અને ભુપતભાઈને માર મારવા લાગ્યા હતા.
તે સમયે ભુપતભાઈની પત્ની અને દીકરો આવીને ભુપતભાઈને માર મારવામાંથી બચાવ્યા હતા. તે સમયે આ તમામ લોકોએ ભુપતભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ભુપતભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.