વડોદરા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પોલીસની બેદરકારીથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલા 40 વર્ષના વેપારી આનંદભાઇ પટેલની લાશ પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. વેપારીએ આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકે જુલાઈ મહિનામાં જ વડોદરા શહેર પોલીસ કમિશરને પત્ર લખીને રજૂઆત કરી હતી, આ ઉપરાંત વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી, પરંતુ, કોઈ કાર્યવાહી ન થતાં વધુ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકનો અગાઉનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે પૈસા પાછા અપાવવાની વિનંતી કરતો દેખાય છે. આ ઉપરાંત વેપારીને કોઈ વ્યક્તિ દ્વારા ફોન પર ધમકી આપવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે.
પતિ ઘરેથી નીકળી ગયા
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ નેહલ પાર્કમાં રહેતા આનંદ નગીનભાઇ પટેલ (ઉં.વ.40) પ્રતાપનગર બ્રિજ પાસે મોબાઇલ રિચાર્જ અને મની ટ્રાન્સફરનું કામ કરતા હતા. તેમણે વેપારીને 6.80 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, તે નાણાં વેપારીએ પરત આપ્યા નહોતા. જેથી તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને રાત્રે કાર લઈને નિકળી ગયા હતા અને મોડી રાત સુધી તેઓ પરત ન આવતા પત્નીએ તેમનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઇલની એક રિંગ વાગી હતી, પછી ફોન બંધ થઈ ગયો હતો.
કેનાલમાંથી મૃતદેહ મળ્યો
ત્યારબાદ પત્નીએ ઘરમાં તપાસ કરતા લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેઓએ પોતે ઘર છોડીને જતા રહ્યા હોવાની વાત લખી હતી. જેથી તેમની પત્નીએ મકરપુરા પોલીસમાં પતિ ગુમ થઈ ગયા હોવાની જાણ કરી હતી. આ દરમિયાન 6 ઓગસ્ટે વેપારીની લાશ હાલોલ તાલુકાના ગજાપુરા અને ગડીત ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાંથી મળી આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કેનાલ પાસેથી વેપારીની કાર મળી
હાલોલ રૂરલ પીઆઇ આર.એ. જાડેજાએ જણાવ્યું હતું કે, વેપારીની લાશ કેનાલમાંથી મળી હતી અને નજીકમાંથી તેની કાર પણ મળી આવી હતી. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકનો અગાઉનો વીડિયો વાઇરલ
મૃતક આનંદ નગીનભાઇ પટેલે અગાઉના એક વીડિયોમાં જણાવ્યું હતું કે, મારું કામ મની ટ્રાન્સફર, રિચાર્જ અને ટ્રેડિંગનું કામ છે, ઉપરાંત મોબાઈલ એસેસરીઝનું પણ કામ કરું છું. હું જીજ્ઞેશ વ્યાસ સાથે પહેલા કામ કરતો હતો. તેઓ એક દિવસ મારી પાસે આવ્યા હતા. આ ઉપરાંત જય અમૃતભાઇ અને વિશાલભાઇ ચંદુભાઇ જક્ષાણિયા પણ સાથે લઇને આવ્યા હતા. તેઓએ મને કહ્યું હતું કે, મની ટ્રાન્સફરનો કેસ આવે છે, એ મને કેસ આપો, હું તમને RTGS આપી દઈશ. તમે બેંકના ચાર્જિસમાંથી બચી જશો. તમને દર મહિને 35થી 40 હજાર લાગે છે, તે તમને નહીં લાગે. તેવી વાત કરતા મેં તેમની સાથે કામ શરૂ કર્યું હતું અને તેમને નાના-નાના આંગડિયા કરતા હતા. મેં તેમને 2 લાખ, 3 લાખ અને 5 લાખના આંગડિયા કરેલા છે અને મારા એક મિત્રને પણ તેમની સાથે કામ કરવા માટે કહ્યું હતું.
ફોન સ્વીચ ઓફ કરી દીધો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં 6.80 લાખ રૂપિયા આંગડિયા પેઢી થકી રાજકોટ વિશાલ જક્ષાણીયાને મોકલ્યા હતા અને અમદાવાદથી 20 લાખ રૂપિયા આંગડિયા પેઢી થકી મોકલ્યા હતા. ત્યારબાદ એક કલાક સુધી RTGSમાં નાણાં ન આવતા મેં વિશાલભાઇને ફોન કર્યો હતો ત્યારબાદ વિશાલભાઇ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. મેં જયેશભાઇને ફોન કર્યો હતો, તેઓએ કહ્યું હતું કે, તમે જાણો અને વિશાલભાઇ જાણો, પછી મેં જીજ્ઞેશભાઇને ફોન લગાવ્યો હતો. તો અમદાવાદવાળા જીજ્ઞેશભાઇએ કહ્યું હતું કે, મને પૂછીને તમે કોઇ વ્યવહાર કર્યો નથી તેમ કહીને બંનેએ હાથ ઊંચા કરી દીધા હતા.
આ પેમેન્ટ હવે નહીં મળે, જે થાય એ કરી લો
તેઓએ ઉમેર્યુ હતું કે, અમે રાત્રે જ રાજકોટના જેતપુર જવા માટે રવાના થઈ ગયા હતા અને વિશાલભાઇને ફોન કર્યો હતો, જેથી વિશાલભાઈએ કહ્યું હતું કે, તમે મારા ઘરે ન આવો, આપણે જયેશભાઇની ઓફિસે આવો, હું પેમેન્ટની વ્યવસ્થા કરાવું છું. જેથી અમે મોરબી જયેશભાઇની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં એ લોકોએ 10 લાખ રૂપિયા RTGSમાં આપ્યા હતા અને બીજા 10 લાખ રૂપિયા પણ થોડીવાર પછી નાખ્યા હતા. બીજા 6.80 લાખ માટે 15 દિવસનો સમય માગ્યો હતો. 15 દિવસ પછી મેં ફરી ફોન કર્યો હતો. જો કે, તેઓએ કહ્યું હતું કે, આ પેમેન્ટ હવે નહીં મળે, જે થાય એ કરી લો. જયેશભાઇ અને જીજ્ઞેશભાઇ પણ જવાબ આપતા નથી.
પોલીસે કોઈ કાર્યવાહી ન કરી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેથી મેં વાડી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. પોલીસવાળા મને મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા કરે છે. મેં SOGમાં પણ મારી અરજી કુરિયર કરી છે, પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ નથી આવ્યો, જેથી હું પોલીસ કમિશનરને અરજી આપીને આવ્યો છું. મને આ પૈસા વહેલી તકે મળે તેવી મારી રજૂઆત છે. મેં અરજી કરી એટલે મોરબીથી જયેશ(જય)ભાઇનો ફોન આવ્યો હતો કે, મારું નામ અરજીમાં નાખ્યું છે તે કાઢી નાખ. મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેનું રેકોર્ડિંગ મારી પાસે છે.
.