અમદાવાદ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનને રક્ષાબંધન તહેવાર નિમિત્તે 505 રાખડીના ભવ્ય વાઘા તૈયાર કરીને શણગાર ધરાવવામાં આવ્યો હતો. ભગવાનના દર્શન દેશ-વિદેશના ભક્તો કરી શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની 20 બહેને 7 દિવસના અંતે આ જાતે મંદિરમાં બેસીને રાખડીઓ તૈયાર કરી અને ભગવાનના વાઘા પણ તૈયાર કર્યા હતા. રાખડી તૈયાર કરવા માટેનો ખર્ચ પણ બહેનોએ પોતે ઘરમાંથી બચત કરીને કાઢ્યો હતો.
7 વર્ષથી આવી રીતે રાખડીના શણગાર કરાઇ છે
વધુમાં જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર એટલે આજના સમય પ્રમાણે તેને સિસ્ટર્સ ડે કહેવાય. રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પ્રેમ અને પરાક્રમના મિલનનું પર્વ છે. ભગવાન પોતાના ભાઈના દોષો થકી રક્ષા કરે અને આલોક પરલોકમાં સુખી રાખે તેવા ભાવથી રાખડીઓ તૈયાર કરી છે. આ બહેનો છેલ્લા સાત વર્ષથી આવી રીતે રાખડીના શણગાર તૈયાર કરે છે. બહેનોએ પોતાના ભાઈઓને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે તો તેઓ આલોક અને પરલોકમાં સુખી થાય, ભગવાન તેમની કામ, ક્રોધાદી દોષોથી રક્ષા કરી અને તેમને સુખી રાખે તેવા હેતુથી આ રાખડીના શણગાર કરવામાં આવે છે.
સ્વામિનારાયણ ભગવાને અનેક વખત રક્ષાબંધન ઉજવી
અંતમાં જણાવ્યું હતું કે, શ્રાવણી પૂનમ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને પણ અનેક વખત ઉજવ્યો છે. શ્રીજી મહારાજને અનેક પ્રેમી ભક્તો રાખડીઓ બાંધતા. શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે, કરજીસણ ગામના ગોવિંદભાઈ 60-60 ગાવ ચાલીને પણ સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધવા ગઢપુર આવતા હતા. પ્રેમાનંદ સ્વામી આદી અનેક સંતોએ ભક્તો ભગવાનને રાખડી બાંધી હતી, તેના અનેક કીર્તનો પણ રચ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક મંદિરોમાં આ પરંપરા આજેય જોવા મળે છે. રક્ષાબંધનના દિવસે સંતો-ભક્તો આ દિવસે સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધીને પૂજન કરીને પોતાના દોષોથી રક્ષણ કરવાની યાચના કરે છે.
.