વડોદરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાનાં ફતેગંજ વિસ્તારની 40 જેટલી સોસાયટીઓ એપાર્ટમેન્ટને અશાંતધારા સમાવવા પોલીસ દ્વારા અભિપ્રાય લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેને પગલે આજે ફતેગંજ પોલીસ ચોકી ખાતે મોટી સંખ્યામાં ફતેગંજ વિસ્તારના લોકો પહોંચી ગયા હતા અને પોતાના અભિપ્રાય આપ્યા હતા.
નાગરિકો પોલીસ ચોકી પહોંચ્યા
વડોદરાનાં ફતેગંજ વિસ્તારમાં આવેલી 40 જેટલી સોસાયટીઓ, ટેનામેન્ટસ અને એપાર્ટમેન્ટનો અશાંતધારાના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવે તે માટે ફતેગંજ નાગરીક સમિતિ દ્વારા રાજ્ય સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રહિશોએ રાજ્ય સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લને પણ રજૂઆત કરી હતી. આ રજૂઆતનાં 3 મહિના બાદ બાળુ શુક્લ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને આ અંગે રજૂઆત કરતાં આખરે કલેક્ટરની સૂચનાના આધારે સાંજે 6થી રાતના 8 વાગ્યા દરમિયાન ફતેગંજ પોલીસ ચોકી ખાતે નાગરીકોનાં નિવેદનો લેવાયા હતા.
40 સોસાયટીનાં રહીશોએ અભિપ્રાય આપ્યા
ફતેગંજ નાગરિક સમિતીના જયેશ પરીખે જણાવ્યું હતું કે, સોમવારનાં રોજ સાંજે 6થી રાતના 8 વાગ્યા સુધી વિસ્તારના લોકોએ 40 સોસાયટીઓને કેમ અશાંતધારામાં સમાવેશ કરવો જોઈએ? તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
અમુક વિસ્તારને જ અશાંતધારામાં સમાવ્યો
ફતેગંજ નાગરિક સમિતિનાં જણાવ્યા પ્રમાણે ફતેગંજ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તારમાં નરહરી હોસ્પિટલથી કમાટીપુરા, જુના મોદી ખાના, સદર બજારથી મહાનગર સેવા સદન, વહીવટી વોર્ડ નંબર-7ની કચેરીથી લઈને ઈ.એમ.ઈ. તરફનો સમગ્ર વિસ્તારમાં 35થી 40 સોસાયટી, ટેનામેન્ટસ અને એપાર્ટમેન્ટ આવેલા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અશાંતધારા હેઠળ સમગ્ર ફતેગંજ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમછતાં ફતેગંજ સ્થિત કમાટીપુરાનાં અમુક મકાનોને જ અશાંતધારા કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો કોઈ અર્થ નથી.
સતત ભયનું સામ્રાજ્ય
ફતેગંજ નાગરીક સમિતિનો આક્ષેપ છે કે, મંજૂર થયેલા નકશા અને રજાચિઠ્ઠી વિરૂદ્ધ ગેરકાયદે, નિયમ વિરૂદ્ધ અને તદ્દન ખોટા બાંધકામ કરી બહુમાળી ફ્લેટ બનાવી લઘુમતી કોમના લોકોને જ માલિકી હક્કોથી વેચાણ કરી રહ્યાં છે. જેનાથી ભવિષ્યમાં ફતેગંજ વિસ્તારમાં અશાંત પરીસ્થિતી પેદા થઈ શકે છે. આમ બહુમતી હિન્દુ વિસ્તારના નગરજનો ઉપર સતત ભયનું સામ્રાજ્ય ફેલાવી સુખ અને શાંતીથી રહેતા હિંદુ વિસ્તારમાં કોમી તંગદીલી ફેલાય તેવા કૃત્ય કરવામાં આવી રહ્યાં છે.
અશાંતધારો જાહેર કરવા માંગણી
આમ, ફતેગંજ વિસ્તારના રહેવાસીઓએ અવારનવાર રાજ્ય સરકાર, કલેક્ટર તેમજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને ફતેગંજ વિસ્તાર તેમજ વિસ્તાર સ્થિત 35થી 40 સોસાયટીઓમાં રહેતી હિન્દુ વસ્તીના રક્ષણ માટે અશાંત ધારો કાયદો જાહેર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો શહેરની શાંતિ ભંગ ના થાય તે માટે લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારમાં કેમ નહીં તેવો સવાલ ઉઠ્યો છે.
.