રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ મનપા દ્વારા 7થી 12 ઓગસ્ટ મિશન ઈન્દ્રધનુષ યોજાયું હતું. જેમાં કોઈ કારણસર રસીકરણથી વંચિત રહી ગયેલ તમામ સગર્ભા માતાઓ તથા બાળકોનો સર્વે કરી યોજાનાર રાઉન્ડમાં આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોનો હેડ સર્વે કરતાં 16,866 સગર્ભા પૈકી 28 સગર્ભા તેમજ 0-1 વર્ષના 28,186 પૈકી 151, 1-2 વર્ષના 28,663 પૈકી 121 તેમજ 2-5 વર્ષના 99 બાળકો કોઈપણ રસીકરણથી વંચિત રહી ગયેલ હોય તેઓને આવરી લેવામાં આવ્યા હતા. આ સાપ્તાહિક કાર્યક્રમમાં કુલ 89 ખાસ રસીકરણ સેશન યોજાયા હતા અને તેમાં અંદાજીત 28 સગર્ભાઓ તેમજ 371 બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. મિશન ઈન્દ્રધનુષ હેઠળ તમામ વિસ્તારોમાં સંપૂર્ણ રસીકરણનું સ્તર માર્ચ 2024 સુધીમાં 95 ટકા સુધી લઈ જવામાં આવનાર છે.
વાહનની વ્યવસ્થા કરવા કર્મચારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત
આગામી 10મી સપ્ટેમ્બરથી રાજકોટથી 32 કિ.મી. દૂર નવુ ગ્રીન ફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થનાર છે. તે પૂર્વે આજે એરલાઈન્સ કંપનીઓના કર્મચારીઓએ જિલ્લા કલેકટરને નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી આવવા જવા માટે વાહનની વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. નવું એરપોર્ટ શરૂ થતાં જ હાલના એરપોર્ટમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓને ફરજીયાત અપડાઉન કરવું પડશે અને આ માટે ફરજીયાત વાહન વ્યવસ્થાની જરૂર પડશે. જેને લઈને એરલાઈન્સ કંપની એર ઈન્ડીયા, ઈન્ડીગો અને વૈચુરા એર કનેકટના કર્મચારી દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા-જવા માટે એરપોર્ટ ઓથોરીટી અથવા વહીવટીતંત્ર દ્વારા વાહનની જરૂરી વ્યવસ્થા ગોઠવવામા આવે તેવી માગ કરાઈ હતી.
માર્કેટિંગ યાર્ડ દ્વારા કચરામાંથી જ ખાતર બનાવવામાં આવશે
રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજી-અનાજ વિભાગમાંથી નીકળતા ખાધાન્ન કચરામાંથી ખાતર બનાવવાનો અને આ માટે અંદાજીત એક કરોડના ખર્ચે બે મશીન ખરીદ કરવાનો નિર્ણય બોર્ડ મીટીંગમાં લેવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડની બોર્ડ મીટીંગ આજે સવારે યોજાઈ હતી. જેમાં 30 જેટલી દરખાસ્તોમાંથી મોટાભાગની વહીવટી હતી. કર્મચારીઓને રાજય સરકારનાં ધોરણે મોંઘવારી ભથ્થુ ચૂકવવા, નિવૃત થતાં કર્મચારીઓને હકક-હિસ્સા આપવા, દુકાન ટ્રાન્સફર સહિતનાં મુદ્દાઓ બહાલ રાખવામાં આવ્યા હતા. આ સિવાય ખાતર ઉત્પાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. યાર્ડનાં બકાલા વિભાગમાં શાકભાજીનો મોટો કચરો નીકળ્યો હોય છે. સફાઈ પાછળ અને આ કચરો ફેંકવા જવા લખલૂંટ ખર્ચ કરવો પડતો હોય છે. તેના બદલે યાર્ડ જ તેમાંથી ખાતરનું ઉત્પાદન કરે તેવી દરખાસ્ત થઈ હતી ત્યારે યાર્ડમાંથી કેટલો કચરો નીકળે? કેટલું ખાતર ઉત્પન્ન થાય? વગેરે બાબતોનો અભ્યાસ અને સર્વે કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
.