અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
- શહેરમાં હેલ્મેટ ન પહેરવાથી 378, સીટ બેલ્ટ બાંધ્યો ન હોવાથી 96 લોકો મોતને ભેટ્યા
ફિરોઝ મન્સૂરી, જૈનુલ અંસારી છેલ્લાં ત્રણ વર્ષમાં શહેરમાં માર્ગ અકસ્માતમાં 1211 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. તેમાં હેલ્મેટ પહેર્યા વિના ટુવ્હીલર ચલાવતાં 378 તેમ જ સીટ બેલ્ટ પહેર્યા વિના કાર ચલાવતા 96 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં થયેલાં કુલ મૃત્યુમાંથી 40 ટકા લોકો હેલ્મેટ, સીટ બેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા. ટ્રાફિક પોલીસના આંકડા અનુસાર,સૌથી વધુ એસજી હાઈવે, એસપી રિંગ રોડ, નરોડાથી નારોલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં મોત થયાં છે. અમદાવાદમાં એક પછી એક અકસ્માતોની ઘટનાઓના પગલે રોડ સેફ્ટી પર વધુ એક વાર ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે.
અકસ્માતોમાં મોતનાં મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે
જોકે રોડ સેફ્ટી માટેની સુવિધા આપવાની જવાબદારી જેટલી ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનની છે તેટલી લોકોની પણ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા મુજબ, દેશમાં દર વર્ષે સરેરાશ 1.55 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે, જેમાંથી એક તૃતીયાંશ મોત નેશનલ હાઈવેનાં છે. વર્ષ 2021માં ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં 7452 લોકોનાં મોત થયાં હતાં. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના મુજબ, અકસ્માતોમાં મોતનાં મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે.
અમદાવાદમાં સૌથી વધુ એસજી હાઈવે, એસપી રિંગ રોડ, નરોડાથી નારોલ પર વધુ અકસ્માતો થયા
વર્ષ | કુલ મોત | ગંભીર ઈજા | હેલ્મેટ ન પહેરવાથી મોત | સીટ બેલ્ટ ન પહેરવાથી મોત |
2020 | 340 | 476 | 80 | 37 |
2021 | 404 | 620 | 126 | 32 |
2022 | 467 | 720 | 172 | 27 |
2023 (જૂન સુધી) | 237 | 341 | – | – |
રાજ્યમાં છેલ્લાં 5 વર્ષમાં… 83,480 અકસ્માત નોંધાયા. 36,297 લોકોનાં મોત થયાં 42,609 લોકો ઇજાગ્રસ્ત થયા
રોડ સેફ્ટી માટે આ સુવિધાઓ, પણ યોગ્ય અમલ નહિ
સ્ટ્રીટલાઇટ | 2 લાખમાંથી 20 ટકા બંધ હાલતમાં
રાત્રે સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી અકસ્માતોનું જોખમ રહે છે. શહેરમાં બે લાખથી વધુ સ્ટ્રીટલાઇટ છે, જેમાંથી 15થી 20 ટકા બંધ છે. સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ હેઠળ 31 હજાર એલઈડી સ્ટ્રીટ લાઇટ નખાઈ છે.
સીસીટીવી 5700માંથી 500થી વધુ કાર્યરત નથી
શહેરમાં કુલ 5700થી વધુ સીસીટીવી કેમેરા છે, જેમાંથી 500થી 600 કેમેરા બંધ છે. ઇસ્કોન અકસ્માત બાદ 82 અંડરબ્રિજ, ઓવરબ્રિજ તથા એસજી હાઈવે પરના બ્રિજ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવાયો છે.
ઓવરસ્પીડિંગ 9 સ્પીડગન, પણ 4 માસમાં 156 મેમો
સ્પીડ ગનથી 2022માં 49,815 ઇ મેમો જનરેટ કરાયા હતા, આ વર્ષે છેલ્લા 4 માસમાં 156ને જ દંડ ફટકારાયો છે. રિંગ રોડ, સિંધુભવન રોડ, એસજી હાઈવે, દાસ્તાન- ઓગણજ- વાડજ સર્કલ, પીરાણા રોડ પર કુલ 9 સ્પીડ ગન છે.
રોંગ સાઇડ, ઓવરસ્પીડિંગ બંધ કરવા નક્કર પ્લાન કરો
અમિત્ર ખત્રી, રોડ સેફ્ટી એક્સપર્ટ
- રોંગ સાઇડનાં જતાં વાહનો બંધ કરાવવાં જોઈએ. દબાણો દૂર કરી રોડ પહોળા કરાવવા જોઈએ.
- સિટી બસ, ટ્રકો જેવા મોટાં વાહનોમાં બ્રેક લાઇટ બંધ હોય છે, જે ચાલુ હોવી જોઈએ.
- સ્પીડ બ્રેક્રર પર ઝીબ્રા ક્રોસિંગના પટ્ટા હોય છે તે ખોટું છે.
- સ્પીડ લિમિટનો કડક અમલ જરૂરી. 2019-21માં 30 બ્લેક સ્પોટ પર 417 અકસ્માતમાં 311 મોત થયાં. આ બ્લેકસ્પોટ ઘટાડવા માટે નક્કર પ્લાનિંગ જરૂરી.
સ્પીડ બ્રેકર શહેરભરમાં સંખ્યા માત્ર 10 ટકા જ
શહેરમાં વર્ષમાં સરેરાશ 52 અરજી સ્પીડ બ્રેકર બનાવવા માટે આવે છે, જેમાંથી 10 મંજૂર કરાય છે. શહેરમાં 2006થી અત્યાર સુધીમાં સ્પીડબ્રેકરની 892 અરજી થઈ, જેમાંથી 180 મંજૂર, 573 નામંજૂર કરાઈ છે.
ટ્રાફિક સિગ્નલ ઘણા બંધ, ઘણામાં વિસંગતતા
શહેરમાં નાનામોટા 350 ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ છે, જેમાંથી કેટલાક બંધ હાલતમાં છે, તો કેટલાકમાં સમયની વિસંગતતા છે. ઘણા સિગ્નલો કાર્યરત હોવા છતાં ત્યાં ટ્રાફિક નિયમોનું પાલન થતું નથી.
જાદરૂકતા | સ્કૂલો-કોલેજોમાં રોડ સેફ્ટીના કાર્યક્રમો
ટ્રાફિક પોલીસ અવારનવાર સ્કૂલ-કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરે છે. આ સિવાય સિટી બસ અને એસટીના કર્મચારીઓ સાથે સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરી ડ્રાઇવરોને ઓછી સ્પીડમાં વાહન ચલાવવા સમજાવાય છે.
.