રાજકોટ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
મનપાની દબાણ હટાવ શાખાએ તા. 8 થી 10ના ત્રણ દિવસમાં કોઠારીયા રોડ, મોરબી રોડ,પેડક રોડ, નાના મૌવા, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાંથી ગેરકાયદે મૂકવામાં આવેલા 298 બોર્ડ-બેનર જપ્ત કર્યા હતા. તો કોઠારીયા રોડ,દાદા ભગવાન ડેલો મવડી મેઈન રોડ,રામાપીર ચોક, ગાયત્રીનગર,પોસ્ટ ઓફીસ રોડ પરથી 16 રેંકડી કેબીન જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત સાધુવાસવાણી રોડ, મવડી રોડ, ભગતસિંહ ગાર્ડન, રામાપીર ચોકડી, ભીમનગર રોડ, જયુબેલી, પોસ્ટ ઓફીસ રોડ,જંકશન રોડ પરથી 61 ચીજવસ્તુ જ્યારે જ્યુબેલી, આનંદ બંગલા ચોક,મવડી મેઈન રોડ,બાપાસિતારામ ચોક, રૈયા રોડ પરથી 243 કિલો શાકભાજી અને ફ્રુટ જપ્ત કરાયા હતા તેમજ જુદા-જુદા રોડ પરથી રૂ. 48,890ના મંડપ કમાન છાજલી ભાડુ, રૂ.63,000 વહિવટી ચાર્જ પણ વસુલ કરાયો હતો.

કલેક્ટર દ્વારા નાયબ મામલતદારોને વધારાની જવાબદારી સોંપાઈ
રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તાજેતરમાં નાયબ મામલતદારોની સાગમટે બદલી કરી ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા હતા. જે બાદ કલેકટર કચેરીની પુરવઠા શાખામાં મુકાયેલા નાયબ મામલતદારોને પણ વધારાની કામગીરી જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા સોંપવામાં આવી છે. જેમાં પુરવઠા નિરીક્ષક તરીકે મુકાયેલા નાયબ મામલતદાર એચ.ડી. રૈયાણીને મહેસુલ અપીલ શાખાની તેમજ એચ.ડી. ચાવડાને પુરવઠા નિરીક્ષક ઉપરાંત કલેકટર કચેરીની મહેસૂલ શાખાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. આવી જ રીતે પુરવઠા નિરીક્ષક એચ.જે. ગુજરવાડીયાને પી.એ. ટુ અધિક કલેકટર તથા હિસાબી શાખાની કામગીરી સોંપવામાં આવી છે. જયારે નાયબ મામલતદાર મેરવાણીને હકક પત્રક શાખાની સાથે પીએ ટુ કલેકટર તેમજ બી.બી. જોષીને પુરવઠા નિરીક્ષકની સાથે મહેસુલ અપીલ શાખાની કામગીરી સોંપવામાં આવી છે. અને નાયબ મામલતદાર એમ.બી. મકવાણાને હકક પત્રક શાખાની સાથે મહેસુલ અપીલ શાખા ઉપરાંત પુરવઠા નિરીક્ષક ડી.વી. થોરીયાને લેન્ડગ્રેબીંગ સેલની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આર.બી. ચૌહાણને ખાસ જમીન સંપાદનની સાથે ખાસ શાખાની કામગીરી તેમજ એમ.ડી. રાઠોડને આરઓ શાખાની કામગીરીની સાથે એલઆરસી શાખાની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લાના નાગરિકો પોસ્ટ ઓફિસમાંથી તિરંગો મેળવી શકશે
કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ને લઈ દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાનમાં ભાગ લેવા માટે જરૂરી એવો તિરંગો પોસ્ટ ઓફિસથી પણ મેળવી શકાશે અને ઓનલાઈન બુકિંગ કરીને ઘર બેઠા પણ તિરંગો મેળવી શકાશે. જેના અનુસંધાને માત્ર રૂ. 25માં તિરંગાનું વેચાણ રાજકોટ જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાની જાહેર જનતા તેમની નજીકની પોસ્ટ ઓફિસ પરથી તેમજ www.epostoffice.gov.in પરથી ઓનલાઇન તિરંગા મેળવવા માટેનો ઓર્ડર કરી શકશે, તેમ પ્રવર અધિક્ષક ડાકઘર, રાજકોટ મંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવાની અપીલ અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

.